AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

ગુજરાત હાઈકોર્ટે NHAIને કહ્યું ‘બહાના બતાવવાનું બંધ કરો અને તૂટેલા રસ્તા મુદ્દે કામ કરો..’

ગુજરાત રાજયના બિસ્માર અને તૂટેલા રસ્તાઓને લઇને ગુજરાત હાઇકોર્ટે આજે બહુ ગંભીર નારાજગી વ્યકત કરી હતી. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન.રેની ખંડપીઠે ખાસ કરીને રાજયના બિસ્માર અને તૂટેલા હાઇવેની સ્થિતિને લઇ ગંભીર નોંધ લઇ ટીકા કરતાં જણાવ્યું કે, આવા ખરાબ અને તૂટેલા રસ્તા પરથી પસાર થવુ એ એક ભયાનક અનુભવ છે એમ કહી અદાલતે ખુદ પોતાનો ભરૂચથી સુરત જવાનો ભયાનક અને દુઃખદાયક અનુભવ વર્ણવ્યો હતો.

હાઇકોર્ટે નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાને સાફ શબ્દોમાં ચેતવણી આપતાં જણાવ્યું કે, નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા નાગરિકોને ખરાબ, ઉબડખાબડ અને તૂટેલા રસ્તાઓના કડવા અનુભવ કરાવવાના અને બહાના બતાવવાના બદલે તેનો તાત્કાલિક ધોરણે ઉકેલ લાવવો જોઇએ. જો કે, નેશનલ હાઇવે ઓથોરીટી કંઇ ના કરી શકતી હોય તો પછી અદાલત તેની રીતે હુકમ જારી કરશે.

ભરૂચથી સુરત અને સુરતથી દહીંસર વચ્ચે અતિશય ખરાબ, તૂટેલા અને બિસ્માર રસ્તાઓ મામલે તેમ જ કરારનો સમયગાળ પૂરો થઇ ગયો હોવા છતાં આ હાઇવે પરથી ટોલ ઉઘરાવવાનું ચાલુ રખાતાં ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી જાહરેહિતની રિટ અરજીમાં હાઇકોર્ટે આજે ગંભીર ટકોર કરી હતી કે, હાઇવેના રસ્તાઓની હાલત ખરાબ અને ભયાનક છે તે વાસ્તવિકતા છે અને અમારો ખુદ તે અનુભવ છે. ખાસ કરીને ભરૂચથી સુરત જવુ એ અમારા માટે બહુ કડવો અનુભવ હતો. અમે ખુદ અમારી આંખે જોયું છે કે, ભરૂચ – સુરત વચ્ચે ટ્રાફિક જામ થઇ જાય છે અને વાહનો આગળ વધી શકતા નથી.

હાઇકોર્ટે નેશનલ હાઇવે ઓથોરીટીને આ સમગ્ર મામલાને ગંભીરતાથી લઇ તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવવા તાકીદ કરી ઉમેર્યું કે, તમે આ બાબતમાં રાજય સરકારની મદદ પણ લઇ શકો છો પરંતુ તમે નાગરિકોને આવી ભયાનક પરિસ્થિતિ વેઠવા માટે છોડી શકો નહી કે આ પ્રકારે અસમર્થતા દાખવી શકો નહી.

હાઇકોર્ટે નેશનલ હાઇવે ઓથોરીટીને આ કેસમાં જરૂરી જવાબ રજૂ કરવા નિર્દેશ કરી કેસની વધુ સુનાવણી આવતા મહિને રાખી હતી. સાથે સાથે સાફ શબ્દોમાં નેશનલ હાઇવે ઓથોરીટી સત્તાવાળાઓને ચેતવણી આપી હતી કે, જો નેશનલ હાઇવે ઓથોરીટી આ મામલામાં તાકીદે કોઇ પગલાં નહી લે તો પછી હાઇકોર્ટ તેની રીતે હુકમ કરશે.

જાહેરહિતની રિટ અરજીમાં એ મતલબની રજૂઆત કરાઇ હતી કે, ભરૂચથી સુરત અને સુરતથી દહીંસર વચ્ચેના રસ્તાઓ ખાસ કરીને હાઇવેનો રોડ એકદમ બિસ્માર છે, તાજેતરના વરસાદમાં તે ભયંકર રીતે તૂટી ગયો છે. ખાડા-ખૈયા અને ઉબડખાબડવાળા રસ્તા પરથી લોકો પસાર થવા મજબૂર બન્યા છે. તો, ખરાબ અને તૂટી ગયેલા રસ્તાઓના કારણે ટ્રાફિક પણ ભયંકર રીતે જામ થઇ જાય છે અને અક્સ્માત સર્જાવાનું પણ જોખમ રહે છે.

ભરૂચથી સુરત અને સુરતથી દહીંસર વચ્ચેના બે સેક્શનમાં પાંચ ટોલ પ્લાઝા છે તેના ક્નસેશન એગ્રીમેન્ટ વર્ષ-2022માં જ પુરા થઇ ગયા છે, તેથી અહીંથી પસાર થતાં વાહનચાલકો પાસેથી ટોલ લેવાનું બંધ કરી દેવું જોઇએ. સત્તાવાળાઓને વારંવાર રજૂઆત કરવા છતાં આ સમસ્યાનું કોઇ નિરાકરણ આવતું નથી. પાંચ ટોલ પ્લાઝાના કરાર પૂરા છતાં ટોલ લેવાય છે. કેસની સુનાવણી દરમ્યાન ઉપરોકત માર્મિક ટકોર અને નિર્દેશ બાદ હાઇકોર્ટે કેસની વઘુ સુનાવણી આવતા મહિને રાખી હતી.

Back to top button
error: Content is protected !!