વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૨૭ સપ્ટેમ્બર : ભુજ ખાતે મિલિટરી એન્જિનિયર સર્વિસિસ (MES)ના ૧૦૩મા સ્થાપના દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. ૨૬ સપ્ટેમ્બર, ૧૯૨૩ ના રોજ મિલિટરી એન્જિનિયર સર્વિસિસ (MES)ની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થા આજે ઉત્કૃષ્ટ એન્જિનિયરિંગ તકનિકો અને સેવાઓ થકી દેશની રક્ષા પ્રણાલીઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
એરફોર્સ સ્ટેશન ભુજના કમાન્ડર વકર્સ એન્જિનિયર અને ગેરિસન એન્જિનિયરિંગ વિભાગ દ્વારા આ દિવસની ઉજવણી નિમિતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ગ્રુપ કેપ્ટન અને ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરશ્રી આર.કે.યાદવે પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે, MES વિભાગ આજે ભારતના ૬૦૦થી વધુ સ્ટેશનો પર સક્રિયતાથી કામગીરી કરી રહ્યો છે. આ વિભાગ અંતર્ગત ₹૧૩,૦૦૦ કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. MES એ મહત્વના પ્રોજેક્ટ જેવા કે, રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક, વાયુ સેના મ્યૂઝિયમ, ૧ GW સોલાર પાવર પ્લાન્ટ, નેવલ એકેડેમી અને આધુનિક સંરક્ષણ ઇમારતો તેમજ લશ્કરી હોસ્પિટલોનું નિર્માણ કરીને દેશની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવી છે. ગ્રૂપ કેપ્ટનશ્રી આર.કે.યાદવે વધુમાં જણાવ્યું હતું કે, MES એ બદલાતા સમયને અનુરૂપ નવી ટેક્નોલોજી અપનાવી છે, જેના કારણે ઈ-ગવર્નન્સ જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. ગ્રૂપ કેપ્ટનશ્રી આર.કે. યાદવે MESના ઇતિહાસ અને યોગદાનની પ્રશંસા કરીને જણાવ્યું હતું કે, MES રાષ્ટ્રના સંરક્ષણનો અદ્રશ્ય રક્ષક છે, જે મુશ્કેલ પરિસ્થિતિઓ અને વિષમ હવામાન વચ્ચે પણ દેશહિત માટે પરિશ્રમ કરે છે.
તેઓએ MESના યોગદાનની તુલના ઓપરેશન સિંદૂર દરમિયાન દુશ્મન પર બોમ્બમારો કરનારા યોદ્ધાઓ સાથે કરી હતી અને વિભાગની કામગીરીને બિરદાવી હતી. ૧૦૩મા “મિલિટરી એન્જિનિયર સર્વિસીસ (MES)” દિવસની પ્રસંગે શ્રી આર.કે.યાદવે વધુમાં જણાવ્યું હતું કે, દરેક MES કર્મચારી રાષ્ટ્રીય સુરક્ષામાં એટલો જ મહત્વપૂર્ણ ફાળો આપે છે જેટલો ફાળો સરહદો પર તૈનાત બહાદુર સૈનિકો આપી રહ્યા છે. તેઓએ સંશોધન, હાઈટેક ઉત્પાદન અને શ્રેષ્ઠ રખરખાવની પ્રતિબદ્ધતા સાથે ૨૦૪૭ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં અધિકારીશ્રીઓ અને કર્મચારીઓએ એકબીજાને MES દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં એમ.ઈ.એસ અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.