રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.
ભુજમાં દિવ્યાંગ દીકરીઓ સાથે અનોખી નવરાત્રિની ઉજવણી
મુંદરા, તા. 28 : ભારતીય જૈન સંગઠન ભુજ દ્વારા પ્રમુખ ગીતાબેન પારેખના નેતૃત્વ હેઠળ એક અનોખા અને પ્રશંસનીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવરાત્રિની ઉજવણી દિવ્યાંગ દીકરીઓ સાથે કરવામાં આવી. સંગઠનના લેડીઝ વિંગે વિકલાંગ વિદ્યાવિહાર ખાતે 90 જેટલી દિવ્યાંગ દીકરીઓ માટે રાસ ઉત્સવનું આયોજન કરી તેમના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ કર્યો.
આ કાર્યક્રમમાં દીકરીઓનું પૂજન કરવામાં આવ્યું અને તેમને લહાણી સાથે સ્વાદિષ્ટ ભોજન, આઈસ્ક્રીમ, જ્યુસ અને કેડબરી આપવામાં આવ્યા. આ ઉપરાંત દીકરીઓએ ઉત્સાહભેર ગરબા રમ્યા અને તેમને પ્રોત્સાહન રૂપે નાના-મોટા ઈનામો પણ આપવામાં આવ્યા હતા. દીકરીઓના ચહેરા પરનો આનંદ અને ખુશી જોઈને સંગઠનના સભ્યોને આત્મસંતોષની લાગણી થઈ.
પ્રમુખ ગીતાબેન પારેખે જણાવ્યું કે સામાન્ય રીતે નવરાત્રિની ઉજવણી પોતાના ગ્રુપ સાથે કરવામાં આવે છે, પરંતુ તેમનો હેતુ બીજાને પણ આ ખુશીનો અનુભવ કરાવવાનો હતો. આ અનોખા આયોજન માટે સભ્યોએ ઉદાર હાથે ફાળો આપ્યો હતો. જેણે આ પ્રોજેક્ટને સફળ બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. પ્રોજેક્ટ ચેરમેન તરીકે દીપા શાહ, મીરલ શાહ અને સોનાલી મહેતાએ જવાબદારી સંભાળી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહામંત્રી મનીષા મહેતા, ડિમ્પલ ભણશાલી, ઉપપ્રમુખ પ્રીતિ શેઠ, કાજલ ગાંધી, નિશા ખંડોલ, મંત્રી મીરા શાહ, ખજાનચી સરલા દોશી, મયુરી દોશી, વૈશાલી શાહ અને અન્ય સભ્યોએ ઉપસ્થિત રહીને યોગદાન આપ્યું હતું.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com