ભરૂચ-અંકલેશ્વરમાં કાર વેચાણ દોઢ ગણું વધ્યું:GST દરમાં 10% ઘટાડાથી ઓટોમોબાઇલ સેક્ટરમાં તેજી
સમીર પટેલ, ભરૂચ
કેન્દ્ર સરકારે જીએસટીના દરમાં 10 ટકાનો ઘટાડો કરતાં ભરૂચ અને અંકલેશ્વરમાં ઓટોમોબાઇલ સેક્ટરમાં અણધારી તેજી જોવા મળી રહી છે. અત્યાર સુધી જ્યાં દરરોજ સરેરાશ 5 કારનું વેચાણ થતું હતું, ત્યાં હવે આ આંકડો વધીને 12 થી 15 સુધી પહોંચી ગયો છે.
22 સપ્ટેમ્બરથી અમલમાં આવેલા આ નવા દરો બાદ પહેલા જ દિવસે રેકોર્ડ બ્રેક કાર બુકિંગ નોંધાયા હતા. અગાઉ જીએસટી દર 28 ટકા હતો જે ઘટાડીને 18 ટકા કરાયો છે. જેના કારણે પ્રત્યેક કારની કિંમતમાં રૂ.45 હજારથી લઈને રૂ. 1.20 લાખ સુધીનો ઘટાડો થયો છે.
ભરૂચ અને અંકલેશ્વરના કુલ 12 મોટા શોરૂમમાં જીએસટી દર ઘટાડા પહેલાં રોજના સરેરાશ 5 કારનું વેચાણ થતું હતું. હવે દરેક શોરૂમમાં 12 થી 13 ગાડીઓનું બુકિંગ થવા લાગ્યું છે. આનાથી મધ્યમ વર્ગીય પરિવારો માટે કાર ખરીદવાનું સ્વપ્ન સાકાર થતું જોવા મળી રહ્યું છે.
આ અંગે ટીમ લીડર કિરણ પરમારે જણાવ્યું હતું કે, “સરકાર દ્વારા જીએસટી 2.0નો નિર્ણય લોકો માટે લાભદાયી સાબિત થયો છે. દરેકનું સ્વપ્ન હોય છે પહેલું ઘર અને બીજી કાર. જીએસટીમાં ઘટાડો થતાં પર્ચેસિંગ પાવર વધ્યો છે અને હવે કાર ખરીદવું વધુ સરળ બની ગયું છે.” આ નિર્ણયથી ઓટોમોબાઇલ માર્કેટમાં નવજીવન ફૂંકાયું છે.