વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
નવરાત્રીની પવિત્ર રાત્રી, વઘઈના અંબા માતાજીના મંદિરે ગરબાનાં નાદથી માહોલ ગુંજતો હતો ત્યારે ક્રિકેટ મેદાનમાંથી આવેલ ભારતનાં વિજયના સમાચાર ખેલૈયાઓ માટે ખુશીની લહેર બનીને આવ્યા હતા.ભારત-પાકિસ્તાન વચ્ચેની રોમાંચક મેચમાં ભારતે જીત મેળવી, અને એ જ ક્ષણે વઘઈના ખેલૈયાઓમાં અદભૂત જુસ્સો જોવા મળ્યો હતો ગરબાના તાલ સાથે ભક્તિમાં રંગાયેલા યુવા-યુવતીઓ વિજયની ખુશી વ્યક્ત કરતા ઝૂમી ઉઠ્યા હતા. ફટાકડાના તડાકા અને તાળીઓના ગડગડાટ સાથે ભારતના વિજયની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.નવરાત્રીના પવિત્ર માહોલમાં ક્રિકેટનો ઉમળકો ઘૂંટાઈ જતા વઘઈનું વાતાવરણ જુદા જ રંગે રંગાઈ ગયું હતુ.ક્રિકેટના જુસ્સા અને ભક્તિભાવના મિલનથી એક અનોખું દૃશ્ય સર્જાયું હતુ.જ્યાં માતાજીના આરાધનામાં લીન ભક્તો ભારતના વિજયને પણ ઉત્સવની જ શૈલીમાં માણી રહ્યા હતા.એક બાજુ ગરબાના ધૂન સાથે ભક્તિ અને ઉમંગ છલકાતો હતો અને બીજી બાજુ વિજયોત્સવના ફટાકડાં આકાશને ઝળહળી ઉઠાડતા હતા.નવરાત્રીની પવિત્રતા અને ક્રિકેટની રોમાંચકતા મળીને ખેલૈયાઓ માટે ડબલ ઉજવણી સર્જી હતી.વઘઈ નગર આકાશબાજીનાં ફટાકડાના ઝગમગાટથી તેજસ્વી બન્યુ હતુ.અને જમીન પર ખેલૈયાઓની રમઝટ સાથે દેશપ્રેમનો ઉમળકો છલકાતો જોવા મળ્યો હતો..