અદાણી વિદ્યામંદિરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિ: વિદ્યાર્થીઓને મહેનત, સત્ય અને સંસ્કારનું માર્ગદર્શન
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: અમદાવાદમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત અદાણી વિદ્યામંદિર ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે રાજ્યપાલે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે નાની ઉંમરથી જ પરિશ્રમને જીવનમાં સ્થાન આપનાર વ્યક્તિ પોતાનાં કાર્યકાળ દરમિયાન અવશ્ય સફળતા હાંસલ કરે છે. તેમણે ઉમેર્યું કે ગરીબી કે અભાવ ક્યારેય મહેનતુ વ્યક્તિ માટે અડચણરૂપ નથી બનતા. મહાન વ્યક્તિઓ કોઈ નિશ્ચિત જગ્યાએ જન્મ લેતા નથી, પરંતુ તેઓ પોતાના કાર્યોથી સામાન્ય જગ્યાને પણ મહાન બનાવી દે છે.
રાજ્યપાલે મહાનુભાવોના ઉદાહરણ આપતાં જણાવ્યું કે ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ, અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના વિદ્યાર્થીકાળમાં કરેલી અવિરત મહેનતના કારણે સફળતા સુધી પહોંચ્યા છે. આજે વડાપ્રધાન મોદીએ વિશ્વભરમાં ભારતનું ગૌરવ વધારીને દરેક ભારતીયના હૃદયમાં ગર્વ જગાવ્યો છે.
વિદ્યાર્થીઓને જીવનના નૈતિક મૂલ્યો અંગે માર્ગદર્શન આપતાં રાજ્યપાલે કહ્યું કે જો કોઈ કામ પ્રત્યે ભય, શંકા અથવા લજ્જાનો અનુભવ થાય તો તે કામ કરવું ન જોઈએ. તેમણે ભાર મૂક્યો કે ભૂલો કરવી જીવનમાં યોગ્ય નથી, પરંતુ જો ભૂલ થઈ જ જાય તો તેને છુપાવવાને બદલે માતા-પિતા, ગુરુ અથવા વડીલને અવશ્ય જણાવવી જોઈએ.
શારીરિક સ્વાસ્થ્યને મજબૂત બનાવવા માટે યોગ અને પ્રાણાયમના મહત્વ પર પ્રકાશ પાડતાં રાજ્યપાલે વિદ્યાર્થીઓને જંકફૂડથી દૂર રહી ઘરનું બનાવેલ સાત્વિક ભોજન લેવાનો આગ્રહ કર્યો. તેમણે વ્યસનથી દૂર રહેવાની પણ શીખ આપી હતી.
રાજ્યપાલે અદાણી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત અદાણી વિદ્યામંદિરની મુલાકાત લઈ શિક્ષણ સાથે સંકળાયેલી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી મેળવી હતી. તેમણે જણાવ્યું કે અદાણી ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ અને સંસ્કાર દ્વારા સશક્ત બનાવીને ભારતના ઉજ્જવળ ભવિષ્યની રચનામાં મહત્વનું યોગદાન આપી રહી છે.
આ પ્રસંગે અદાણી ફાઉન્ડેશનની ચેરપર્સન ડૉ. પ્રીતિ અદાણી, અદાણી ફાઉન્ડેશન તથા અદાણી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વસંત ગઢવી, અદાણી ફાઉન્ડેશનના ટ્રસ્ટી શિલિન અદાણી, અદાણી વિદ્યામંદિરની પ્રિન્સિપાલ ડૉ. શિલ્પા ઈદોરીયા સહિતના પદાધિકારીઓ, શિક્ષકો, મહાનુભાવો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.