વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકા પંચાયતની નાંદનપેડા ગ્રામ પંચાયતમાં મનરેગા યોજના હેઠળના કામોમાં થયેલી ગેરરીતિ તથા ભ્રષ્ટાચાર અને અનિયમિતતા બાબતે સઘન તપાસ કરવામાં આવે અને ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ સાથે આહવાનાં જાગૃત નાગરિક એવા શારોનભાઈ માહલેએ જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ અરજી કરી છે.આ ફરિયાદ અરજીમાં જણાવ્યા અનુસાર, ડાંગ જિલ્લાનાં આહવા તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ નાંદનપેડા ગ્રામ પંચાયત દ્વારા મનરેગા યોજના હેઠળ કરવામાં આવેલા કામોમાં ગંભીર ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે.નાંદનપેડા ગ્રામ પંચાયત દ્વારા બોગસ હાજરી અને પેમેન્ટ કરવામાં આવેલ છે.મનરેગાના કેટલાક કામોના મસ્ટર રોલમાં કામ પર હાજર ન હોય તેવા વ્યક્તિઓના નામે ખોટી હાજરી પૂરી દેવામાં આવી છે.કરેલા કામની સાચી માપણી (M-Book) કર્યા વિના જ આખા કામનું પેમેન્ટ કરી દેવામાં આવ્યું છે.નાંદનપેડા ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી-કમ-મંત્રી અને ટેકનિકલ આસિસ્ટન્ટ (TA) ની મિલીભગતથી આ ગેરરીતિઓ આચરવામાં આવી છે.આ ગંભીર ગેરરીતિઓને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે નાંદનપેડા ગ્રામ પંચાયતમાં છેલ્લા ૧ વર્ષમાં મનરેગા હેઠળ થયેલા તમામ કામોની સઘન અને નિષ્યક્ષ તપાસ (Audit અને Physical Verification) માટે ઉચ્ચ અધિકારીઓની એક ટીમ મોકલવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે.જે કામોમાં ગેરરીતિ સાબિત થાય, તે કામો માટે જવાબદાર તમામ સરકારી કર્મચારીઓ અને પંચાયતના પદાધિકારીઓ સામે કાયદેસરની ફોજદારી અને વહીવટી કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ પ્રબળ કરવામાં આવી છે.સરકારના ભંડોળનો દુરુપયોગ કરનારા તત્વો પાસેથી પૂરેપૂરી રકમની વસૂલાત કરવામાં આવે તે પણ જરૂરી છે.નાંદનપેડા ગ્રામ પંચાયતમાં છેલ્લા ૧ વર્ષમાં કરેલ કામની તપાસ કરવામાં આવે તો મોટો ભ્રષ્ટાચાર બહાર આવશે.વધુમાં ફરિયાદી દ્વારા વિકાસ કમિશ્નરને પણ આ બાબતે ફરિયાદ કરવામાં આવી છે અને જણાવવામાં આવ્યું કે આ ગંભીર બાબતે સરકારી પૈસાની ચોરી કરનાર અધિકારી સામે ફોજદારી ગુનો નોંધવામાં આવે અને જો કોઈ પગલાં ભરવામાં નહીં આવે તો ફરિયાદી નામદાર હાઈકોર્ટમાં પણ અરજ ગુજારસે એવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે..