જૂનાગઢ મહાનગરપાલિકા તંત્ર અને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છોત્સવ સન્માન સમારોહનું તા.૦૨-૧૦-૨૦૨૫ ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. પંડિત દીનદયાળ ઉપાધ્યાય સભાખંડ, જૂનાગઢ મહાનગરપાલિકા ભવન ખાતે સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમમાં પ્રાસંગિક રૂપરેખા જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમ્મર અને પ્રાસંગિક ઉદબોધન મ્યુનિસિપલ કમિશ્નર તેજસ પરમાર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકરે આપી હતી.આ તકે મહાનુભાવોએ જણાવ્યું હતું કે, દર વર્ષે તારીખ ૦૨ ઓક્ટોબરના રોજ ગુજરાતનું ગૌરવ અને આપણા રાષ્ટ્રપિતા પૂજનીય શ્રી મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ અને ભૂતપૂર્વ વડાપ્રધાન પૂજનીય શ્રી લાલબહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતિની ઉજવણી નિમિતે સમગ્ર દેશમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. છેલ્લા દશકાથી દેશમાં સ્વચ્છતા માટે જન આંદોલનની મુહિમ સક્રિયપણે આગળ વધી રહી છે. આ વર્ષે સ્વચ્છતા હી સેવા અભિયાનની થીમ ”સ્વચ્છોત્સવ ૨૦૨૫” રાખવામાં આવી છે. સ્વચ્છ ભારત મિશન દ્વારા ગત તા.૧૭/૦૯/૨૦૨૫ થી તા.૦૨/૧૦/૨૦૨૫ સુધી સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢ શહેર સહિત સમગ્ર જિલ્લામાં સ્વચ્છતાલક્ષી જનજાગૃતિ લાવવા માટે સંસ્કૃતિક કાર્યક્રમો, સ્વચ્છતા રેલી, યોગ શિબિર, સ્વચ્છ વોર્ડ સ્પર્ધા, સાઈકલોથોન, સ્વચ્છતા શપથ, ભીંતચિત્રો, સેલ્ફી પોઈન્ટ બનાવવા, સફાઈ મિત્ર સુરક્ષા શિબિર, વૃક્ષારોપણ ઝુંબેશ, શેરી નાટક, સોશિયલ મીડિયાના ઇનફ્લ્યુએન્સર્સ સાથે સ્વચ્છતા સંવાદ- આમ સતત ૧૬ દિવસ સુધી દરરોજ એક થીમ સુનિશ્ચિત કરવામાં આવી હતી અને તેમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને જાહેર જનતા તરફથી બહોળો પ્રતિસાદ સાંપડયો છે.કાર્યક્રમમાં આગળ શ્રેષ્ઠ સેનેટરી ઇન્સ્પેકટર્સ, વોર્ડ દીઠ શ્રેષ્ઠ સફાઈ કામગીરી કરનાર સફાઈ કર્મચારીઓ, સ્વચ્છ વોર્ડ સ્પર્ધાના વિજેતા, ફૂડ સ્ટ્રીટ સ્પર્ધાના વિજેતા, ચિત્ર સ્પર્ધાના વિજેતા, રંગોળી સ્પર્ધાના વિજેતા, વેસ્ટ ટુ બેસ્ટ મેકિંગ આર્ટીસ્ટ, સ્વચ્છતા જાળવનાર ગરબા અને ગરબી સ્પર્ધાના સંચાલકો, સ્વચ્છતામાં શ્રેષ્ઠ કામગીરે કરનાર ત્રણ તાલુકા- આમ ૧ થી ૩ પ્રત્યેક ચરણના વિજેતાઓને મંચસ્થ મહેમાનોએ પ્રમાણપત્ર આપીને તેમનું સન્માન કર્યું હતું અને તેઓનો ઉત્સાહ વધાર્યો હતો.આ ઉપરાંત વેસ્ટ ટુ બેસ્ટ આર્ત મેકિંગ આર્ટીસ્ટ કે જે સખી મંડળના બહેનો દ્વારા બનાવવામાં આવે છે તેમની કલાકૃતિઓનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. જેને ઉપસ્થિત સર્વેએ નિહાળી હતી અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજેશભાઈ ત્રિવેદીએ કર્યું હતું. કાર્યક્રમના અંતે આભારવિધિ સ્વચ્છતા હી સેવા અભિયાનના નોડલ ઓફિસરશ્રી અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર શ્રી જે.પી.વાજાએ કરી હતી.ઉક્ત કાર્યક્રમમાં મેયર ધર્મેશભાઈ પોશીયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર ડી.જે.જાડેજા, શાસક પક્ષના નેતા મનનભાઈ અભાણી, દંડક કલ્પેશભાઈ અજવાણી, સેનિટેશન સમિતિના ચેરમેન પુંજાભાઈ સિસોદીયા,વિવિધ વિભાગના અધિકારીગણ, કર્મચારી મિત્રો, સફાઈ કર્મચારીઓ, લાભાર્થીઓ, શાળાના બાળકો, પ્રેસ મીડિયાના મિત્રો અને નાગરિકો હાજર રહ્યા હતા
રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ