GUJARATJUNAGADH

જૂનાગઢ જિલ્લામાં ‘નશા મુક્તભારત અભિયાન’ અને ‘બાળવિવાહ મુક્ત’ સંકલ્પ સાથે વિશેષ ગ્રામસભાનું આયોજન

જૂનાગઢ જિલ્લામાં 'નશા મુક્તભારત અભિયાન' અને 'બાળવિવાહ મુક્ત' સંકલ્પ સાથે વિશેષ ગ્રામસભાનું આયોજન

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિના અવસરે જૂનાગઢ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં સામાજિક ચેતના જગાવતી ખાસ ગ્રામસભાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્રામસભામાં દરેક ગામના સરપંચશ્રી, તલાટી કમ મંત્રીશ્રી અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા અને બે મહત્ત્વના સામાજિક દૂષણો નશા મુક્ત ભારત અભિયાન, મારું ગામ બાળવિવાહ મુક્ત અંગે સામૂહિક સંકલ્પ લીધો હતો.નશા મુક્ત ભારત અભિયાનનો સંદેશો ગામડાંઓ સુધી પહોંચાડવા ગ્રામજનોએ ઓનલાઈન તેમજ ઓફલાઈન માધ્યમથી ગામને વ્યસનમુક્ત બનાવવાની પ્રતિજ્ઞા લેતા સામૂહિક શપથ લીધા હતા.તેમજ નશા મુક્ત ભારત ક્વિઝ સ્પર્ધામાં ગ્રામ્ય વિસ્તારના વધુમાં વધુ યુવાનો ભાગ લે તે માટે ખાસ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેથી યુવા પેઢી જાગૃત બની આ અભિયાનનું નેતૃત્વ સંભાળે.આ ઉપરાંત મારું ગામ બાળવિવાહ મુક્ત સંકલ્પને સાકાર કરવા ગ્રામસભામાં બાળ લગ્ન જેવી ગંભીર સામાજિક બદીને જડમૂળમાંથી દૂર કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. દરેક ગ્રામ પંચાયતમાં ગામને સંપૂર્ણ બાળ લગ્ન મુક્ત બનાવવાનો સર્વસંમતિથી ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.તલાટી કમ મંત્રીશ્રી દ્વારા બાળ લગ્ન પ્રતિબંધક કાયદાકીય જોગવાઈઓની વિસ્તૃત સમજણ આપી ગ્રામજનોને જાગૃત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ, તમામ ઉપસ્થિતોએ તેમના ગામમાં ક્યારેય બાળ લગ્ન ન થાય તેની ખાતરી કરવાના દ્રઢ શપથ લીધા હતા.આમ, જૂનાગઢ જિલ્લાની આ પહેલ ગ્રામ્ય સ્તરે સામાજિક સુધારા લાવવાની સામૂહિક પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ આયોજન ગામડાઓને વિકાસ અને સકારાત્મક પરિવર્તન તરફ દોરી જવા માટેનું એક મજબૂત પગલું છે.

રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!