GUJARATKUTCHMUNDRA

મુંદરાના રતાડીયા ગામે વીજ કરંટ લાગવાથી વધુ એક ગાયનું મોત: PGVCL સામે બેદરકારીનો આક્ષેપ

રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.

મુંદરાના રતાડીયા ગામે વીજ કરંટ લાગવાથી વધુ એક ગાયનું મોત: PGVCL સામે બેદરકારીનો આક્ષેપ

 

રતાડીયા, તા. 4 : કચ્છ જિલ્લાના મુંદરા તાલુકાના રતાડીયા ગામમાં મહેશ્વરી વાસ વિસ્તારમાં વીજ કરંટ લાગવાથી એક ગાયનું કરુણ મૃત્યુ થતા પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસાની ઋતુમાં વીજ પોલ ભીના થવા અને ખુલ્લા વાયરોને કારણે શોર્ટ-સર્કિટ થવાથી આ દુર્ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયમાં વીજ કરંટથી મૃત્યુ પામેલી આ ત્રીજી ગાય છે, છતાં વીજ બોર્ડ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યાં નથી.

સામાન્ય રીતે ગાયના મૃત્યુના કિસ્સામાં હિન્દુ સંગઠનો કે જાગૃત હિન્દુ લોકો દ્વારા ફરિયાદો નોંધાવાતી હોય છે, પરંતુ આ ઘટનામાં એક મુસ્લિમ ભાઈએ આ ઘટનાની જાણકારી આપી છે. જે આ ગામની કોમી એકતા અને પરસ્પર સદ્ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ મુસ્લિમ ભાઈએ ગામલોકો સાથે મળીને PGVCL ની બેદરકારી સામે અવાજ ઉઠાવ્યો છે અને જવાબદાર તંત્ર સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

ગ્રામજનોની ફરિયાદ છે કે ગામમાં ઠેર ઠેર વીજ થાંભલાઓ પર ખુલ્લા વાયરો લટકી રહ્યા છે, જે અવારનવાર શોર્ટ-સર્કિટનું કારણ બને છે. પરિસ્થિતિ સુધારવા માટે બહારગામથી આવતા વાયરમેન માત્ર થાંભલાને કોથળીઓ બાંધીને કામ ચલાવે છે, જે એક હંગામી અને જોખમી ઉપાય છે. આવી ‘થીગડાં’ લગાવવાની કામગીરીને કારણે અકસ્માતો અટકાવી શકાતા નથી. ગામના લોકોના કહેવા મુજબ વીજળીના થાંભલાની બચત કરવા માટે લોકોના ઘરની દીવાલો ઉપર અનેક ઘરોના કનેક્શન લોખંડના એંગલમાં એક સાથે આપી દેવામાં આવેલ છે, જેના ખુલ્લા છેડા મોટી દુર્ઘટના સર્જી શકે એમ છે. આ બેદરકારીનો ભોગ ગામના પશુઓ અને લોકો બની શકે છે.

આ ઘટના બાદ ગ્રામજનોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે શું PGVCL કોઈ માનવ જીવ ગુમાવ્યા બાદ જ જાગશે? શું વીજ બોર્ડ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? ગ્રામજનોની માંગ છે કે PGVCL તાત્કાલિક ધોરણે આ વિસ્તારના તમામ ખુલ્લા વાયરો અને જોખમી વીજ પોલનું સમારકામ કરે અને જરૂર જણાય ત્યાં નવા વીજ પોલ ઉભા કરે અને આવી ‘થીગડાં’ મારવાની પદ્ધતિ બંધ કરે, જેથી ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ન બને અને નિર્દોષ પશુઓ કે મનુષ્યોનો જીવ જોખમમાં ન મુકાય.

આ બાબતે PGVCL ના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ધ્યાન આપે અને જરૂરી કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી છે.

 

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :

-પુજા ઠક્કર,

9426244508,

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!