GUJARATKUTCHMUNDRA

કચ્છના શિક્ષણ પર તોળાઈ રહેલો ખતરો: સરકારની અવિચારી નીતિનો ભોગ બની રહેલ કચ્છનું ભવિષ્ય

રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.

 

કચ્છના શિક્ષણ પર તોળાઈ રહેલો ખતરો: સરકારની અવિચારી નીતિનો ભોગ બની રહેલ કચ્છનું ભવિષ્ય  

 

રતાડીયા, તા. ૫ : તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા એક પરિપત્રને કારણે કચ્છના શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ પરિપત્ર મુજબ ૧૫ ઓક્ટોબર ૨૦૨૫ પહેલાં બદલી પામેલા શિક્ષકોને તાત્કાલિક છૂટા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ નિર્ણયથી કચ્છના શિક્ષણ પર ગંભીર અસરો થવાની શક્યતાઓ છે, કારણ કે આ નિર્ણય અમલી બનશે તો જિલ્લામાં શિક્ષકોની ભારે અછત સર્જાશે. આ પરિપત્ર શિક્ષણ વિભાગની અપરિપક્વતા અને અદૂરદર્શિતા દર્શાવે છે.

રાજ્ય સરકારની નીતિઓ અને ખાસ કરીને દર વર્ષે થતી જિલ્લાફેર બદલી અને વિશેષ ભરતી પ્રક્રિયાને કારણે કચ્છના શિક્ષણતંત્રમાં અસ્થિરતા ઊભી થઈ છે. બહારના જિલ્લાઓમાંથી આવતા શિક્ષકો શરૂઆતમાં અહીં નિમણૂક સ્વીકારી લે છે, પરંતુ થોડા સમય પછી પોતાના વતનમાં પાછા જવાની માંગણી કરતા રહે છે. આ સતત ચાલતી આવનજાવનથી વિદ્યાર્થીઓના અભ્યાસમાં ખલેલ પડે છે અને શાળાઓમાં શિક્ષકોની અછત યથાવત રહે છે.

આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, કચ્છના શિક્ષણને બચાવવા માટે તાત્કાલિક અને કાયમી ઉકેલો શોધવા અનિવાર્ય છે. આ સંદર્ભમાં નીચે મુજબના સૂચનો પર ગંભીરતાપૂર્વક વિચારણા થવી જરૂરી છે.

 

સ્થાનિક ઉમેદવારો માટે ખાસ ભરતી યોજના :

કચ્છના શિક્ષણની સ્થિરતા માટે સ્થાનિક ઉમેદવારોને પ્રાથમિકતા આપવી અનિવાર્ય છે. તેથી, સરકાર દ્વારા કચ્છના કાયમી રહેવાસી હોય અથવા જેમણે ઓછામાં ઓછું ૫૦% શિક્ષણ કચ્છ જિલ્લામાં મેળવ્યું હોય, તેવા ઉમેદવારો માટે ખાસ જિલ્લા આધારિત ભરતી યોજના શરૂ કરવી જોઈએ. આ યોજનામાં કચ્છી ભાષા અને સંસ્કૃતિથી પરિચિત ઉમેદવારોને પ્રાધાન્ય મળવું જોઈએ, જેથી તેઓ વિદ્યાર્થીઓ સાથે સરળતાથી જોડાઈ શકે. આવી ભરતી ૧૦ વર્ષમાં ઓછામાં ઓછી એકવાર વિશેષ ભરતી સ્વરૂપે કરવામાં આવે તો શિક્ષણતંત્રમાં સ્થિરતા જળવાઈ રહેશે.

 

ટેટ / ટાટ પરીક્ષાના પાસ ધોરણમાં લવચીકતા :

વર્તમાન ટેટ અને ટાટ પરીક્ષામાં પાસ થવા માટે ૬૦%નું કડક ધોરણ કચ્છ જેવા વિસ્તારો માટે અવરોધક સાબિત થઈ રહ્યું છે. શિક્ષણ વિભાગે આ વાસ્તવિકતા સ્વીકારીને કચ્છ જેવા દુર્ગમ અને શૈક્ષણિક રીતે પછાત વિસ્તારો માટે પાસ ધોરણ ઘટાડીને ૩૫% કરવું જોઈએ. (જે પ્રાથમિકથી કોલેજ કક્ષા સુધી અમલમાં છે જ) આ સાથે કચ્છી ઉમેદવારોની ઉંમરની મર્યાદામાં પણ વધારો કરવો જોઈએ. આનાથી લાયક અને જમીની વાસ્તવિકતાથી પરિચિત સ્થાનિક યુવાનોને તક મળશે અને કચ્છને તેના પોતાના કચ્છી શિક્ષકો જ મળશે.

 

ભાષા આધારિત ભરતી અને શિક્ષણની ગુણવત્તા :

કચ્છમાં ઘણા વિદ્યાર્થીઓ માત્ર કચ્છી ભાષામાં જ શિક્ષણ મેળવી શકે છે. બહારથી આવતા શિક્ષકોને ભાષાકીય મુશ્કેલી થતાં બાળકો શૈક્ષણિક રીતે પાછળ રહી જાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે પ્રાથમિક સ્તરે એવા શિક્ષકોની ભરતી કરવી જરૂરી છે જેઓ કચ્છી ભાષા અને સંસ્કૃતિની ઊંડી સમજ ધરાવતા હોય. તેનાથી શિક્ષણની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થશે.

 

કેન્દ્રની “પરખ” સંસ્થાનો ચેતવણીરૂપ રિપોર્ટ :

કેન્દ્ર સરકારની “પરખ” સંસ્થાના તાજેતરના સર્વે મુજબ, ગુજરાતના ૩૩ જિલ્લાઓમાં કચ્છ ૩૧મા ક્રમે છે. આ આંકડો સ્પષ્ટપણે દર્શાવે છે કે હાલની નીતિઓ વિદ્યાર્થીઓના હિતમાં કાર્યક્ષમ સાબિત થઈ નથી. આ રિપોર્ટ શિક્ષણ વિભાગ માટે એક ચેતવણી છે અને હવે વાસ્તવિકતા સ્વીકારીને સુધારાત્મક અને વિદ્યાર્થીલક્ષી નિર્ણયો લેવાનો સમય આવી ગયો છે.

 

નીતિ અને નિયમમાં માનવીય દૃષ્ટિકોણ :

નિયમો કાગળ પર સારા લાગે છે, પરંતુ બાળકોનું ભવિષ્ય એ જ સૌથી મોટો નિયમ હોવો જોઈએ. સ્થાનિક ઉમેદવારોને તક આપવાથી શિક્ષકોની અછત કાયમ માટે દૂર થશે, ભાષાકીય અંતર ઘટશે અને કચ્છનું શિક્ષણ ફરી એકવાર રાજ્યમાં ગૌરવભેર સ્થાન પ્રાપ્ત કરી શકશે.

આ મુદ્દાઓની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પી.એચ.ડી.નો અભ્યાસ કરતા તિતિક્ષાબેન પ્રકાશચંદ્ર ઠક્કર સરકાર, શિક્ષણ વિભાગ અને જિલ્લા પ્રતિનિધિઓને આ સૂચનો પર તાત્કાલિક વિચારણા કરવા અને સકારાત્મક પગલાં ભરવા અનુરોધ કરે છે. કચ્છના શિક્ષણ માટે સતત ચિંતિત એવા આશાપુરા ફાઉન્ડેશન, સર્વ સેવા સંઘ, કચ્છ લડાયક સંઘ, કચ્છ ટેટ ટાટ બેરોજગાર ગ્રુપ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (કચ્છ શાખા) અને કચ્છના શિક્ષણવિદોએ આ મુદ્દાને સમર્થન આપવા આગળ આવવું જોઈએ. કારણ કે, “જો શિક્ષક સ્થાયી હશે, તો જ શિક્ષણ સજીવ રહેશે, અને શિક્ષણ સજીવ રહેશે, તો જ કચ્છનું ભવિષ્ય ઉજ્જવળ રહેશે.”

 

વડાપ્રધાનની દરમિયાનગીરી અને કચ્છની અલગ પ્રદેશની માંગ :

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેઓ મૂળ ગુજરાતી અને કચ્છ પ્રત્યે વિશેષ લગાવ ધરાવે છે, તેઓ આ ગંભીર મુદ્દે અંગત રસ લઈને જરૂરી સૂચનાઓ આપે તેવી કચ્છી લોકોની લાગણી અને માગણી છે. જો આ પ્રશ્નનો સમયસર ઉકેલ નહીં આવે તો શિક્ષણથી વંચિત રહેલા બાળકો જ્યારે યુવાવસ્થામાં પહોંચશે ત્યારે અલગ કચ્છની ચળવળ પણ ઉપાડે તેવા સંજોગો ઊભા થઈ શકે છે. આ પહેલાં જ સમયસૂચકતા વાપરીને સરકારે યોગ્ય અને કાયમી નિર્ણય લેવો તે સમયની માંગ છે. તાજેતરમાં ગુજરાતમાં કચ્છની સરહદને જોડતા એક નવા જિલ્લાનો ઉમેરો થયો છે, પરંતુ નકશા પર જોતાં સ્પષ્ટ થાય છે કે કચ્છનું ક્ષેત્રફળ એટલું વિશાળ છે કે અહીં એક અલગ જિલ્લો નહીં, પરંતુ એક અલગ પ્રદેશ બનાવી શકાય તેમ છે. શિક્ષણના હિતમાં અને કચ્છના ભવિષ્ય માટે આ પ્રકારનો વ્યાપક વિચાર થવો અનિવાર્ય છે.

 

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :

-પુજા ઠક્કર,

9426244508,

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!