‘જીવલેણ’ કફ સિરપ પ્રિસ્ક્રાઈબ કરનારા ડૉક્ટરની ધરપકડ
મધ્યપ્રદેશના છિંદવાડામાં 10 બાળકોના મોત બાદ સરકારે મોટી કાર્યવાહી કરી અને શનિવારે મોડી રાત્રે કફ સિરપ લખનારા ડૉ. પ્રવીણ સોનીની ધરપકડ કરી. ઉલ્લેખનીય છે કે શનિવારે પરાસિયા પોલીસ સ્ટેશને ડૉ. પ્રવીણ સોની અને કોલ્ડ્રિફ સિરપ બનાવતી કંપની શ્રીસુન ફાર્માસ્યુટિકલ્સના સંચાલકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.
ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટની કલમ 27(A), બીએનએસની કલમ 105 અને 276 હેઠળ આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પરાસીયા સીએચસીના બીએમઓ અંકિત સહલમે ડૉક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ડૉ. પ્રવીણ સોનીએ છિંદવાડામાં મૃત્યુ પામેલા મોટાભાગના બાળકોને કફ સિરપ પ્રિસ્ક્રાઈબ કરી હોવાની માહિતી સામે આવી હતી.
બાળકોના મૃત્યુનું કારણ બનેલી સિરપ અંગેનો ટેસ્ટ રિપોર્ટ શનિવારે મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે કોલ્ડ્રિફ કફ સિરપમાં 48.6% ડાયથિલિન ગ્લાયકોલ છે, જે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.
મધ્યપ્રદેશ સરકારે શનિવારે કોલ્ડ્રિફ સિરપના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો, આ કાર્યવાહી 7 સપ્ટેમ્બરથી શંકાસ્પદ કિડની ચેપને કારણે 10 બાળકોના મૃત્યુ બાદ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું હતું કે, “કોલ્ડ્રિફ સિરપને કારણે છિંદવાડામાં બાળકોના મૃત્યુ અત્યંત દુઃખદ છે. આ સિરપના વેચાણ પર સમગ્ર મધ્યપ્રદેશમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સિરપ બનાવતી કંપનીના અન્ય ઉત્પાદનો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે.”