GUJARATPANCHMAHALSHEHERA

સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત મેદસ્વિતા ઘટાડવામાં અતિ મહત્વપૂર્ણ – સૂર્ય નમસ્કાર

નિયમિતપણે સૂર્ય નમસ્કાર કરવાથી થતાં સર્વાંગી ફાયદાઓ વિશે જાણીએ...

 

પંચમહાલ શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

ગુજરાત સરકારના “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત, જાહેર જનતાને મેદસ્વિતા (મેદસ્વીતા) થી થતી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ અને તેનાથી બચવા માટે સ્વસ્થ જીવનશૈલીના મહત્વ વિશે જાગૃત કરવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. સ્વસ્થ જીવનશૈલી અને રોગમુક્ત શરીરની વાત આવે ત્યારે, ભારતીય યોગ પરંપરાનું એક અનમોલ રત્ન એટલે સૂર્ય નમસ્કાર. ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ના લક્ષ્યને સિદ્ધ કરવા માટે સૂર્ય નમસ્કાર એક અતિ મહત્વપૂર્ણ કડી છે.

*સૂર્ય નમસ્કારનો અર્થ અને મહત્વ* : સૂર્ય નમસ્કારનો શાબ્દિક અર્થ નામ પરથી જ સરળતાથી સમજી શકાય છે, સૂર્યને આદરપૂર્વક નમન કરવું. જોકે, સૂર્ય નમસ્કાર માત્ર એક આસન નથી, પરંતુ તે બાર વિવિધ આસનોનો એક સંપૂર્ણ સમૂહ છે. યોગમાં કરવામાં આવતા આસનોમાંથી તેને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. સૂર્ય નમસ્કાર કરવાથી આખા શરીરની એકસાથે કસરત થઈ જાય છે. તે એક એવી સંપૂર્ણ કસરત છે જે કોઈ પણ ઉંમરની વ્યક્તિ કરી શકે છે અને રોજિંદા જીવનમાં તેને અપનાવવાથી શરીર રોગોથી દૂર રહે છે. પ્રાચીન સમયથી સૂર્ય નમસ્કારની ચર્ચા અને મહિમા છે અને સમય જતાં તેની ખ્યાતિ હવે વિદેશમાં પણ ફેલાઈ છે. નિયમિત સૂર્ય નમસ્કાર કરવાથી માત્ર શારીરિક જ નહીં, પણ માનસિક શાંતિ પણ પ્રાપ્ત થાય છે. તે તન, મન અને વાણી ત્રણેયને શાંતિ આપીને વ્યક્તિમાં નવી ઊર્જાનો સંચાર કરે છે.

 

*નિયમિતપણે સૂર્ય નમસ્કાર કરવાથી શરીરને સર્વાંગી ફાયદાઓ થાય છે, આવો તેના ફાયદાઓ વિશે વિગતે જાણીએ…*

_*પેટની ચરબી ઘટાડે અને મેદસ્વિતા દૂર કરે:*_ મેદસ્વિતા ઘટાડવામાં સૂર્ય નમસ્કારનું યોગદાન અમૂલ્ય છે. તેના આસનોની શૃંખલા પેટના મસલ્સને મજબૂત બનાવે છે. સાથે જ, તે પેટ પરની વધારાની ચરબીને દૂર કરવામાં મદદ કરે છે, જે ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’ના સંકલ્પને સાકાર કરવા માટે અત્યંત જરૂરી છે.

*_પાચન ક્ષમતા સુધારે_ :* દરરોજ સૂર્ય નમસ્કાર કરવાથી પેટના સ્નાયુઓ પર યોગ્ય દબાણ પડે છે. આ દબાણ આંતરડાની ગતિને સુધારીને પાચન ક્ષમતામાં વધારો કરે છે. પરિણામે, કબજિયાત, એસિડિટી અને પેટમાં બળતરા જેવી સામાન્ય પાચન સંબંધિત સમસ્યાઓમાં નોંધપાત્ર રાહત મળે છે.

*_શરીરને ડિટોક્સ કરે_ :* આ આસનોના સમૂહ દ્વારા શ્વાસ લેવાની અને છોડવાની ક્રિયા નિયંત્રિત થાય છે. આનાથી શરીરના દરેક અંગ સુધી ઓક્સિજનયુક્ત લોહી પૂરતી માત્રામાં પહોંચે છે. પરિણામે, શરીરમાં રહેલા કાર્બન ડાયોક્સાઈડ અને અન્ય ઝેરીલા ગેસ બહાર નીકળે છે, અને શરીર કુદરતી રીતે ડિટોક્સ થાય છે.

*_તણાવ ઓછો કરે અને માનસિક શાંતિ આપે_ :* સૂર્ય નમસ્કાર ચેતાતંત્ર (Nervous System) ને સુધારીને શરીરમાં બ્લડ સર્ક્યુલેશનને વ્યવસ્થિત કરે છે. આનાથી સ્ટ્રેસ અને માનસિક તણાવ દૂર થાય છે. નિયમિત અભ્યાસ યાદશક્તિ સુધારે છે અને જેમને ખૂબ ઝડપથી ગુસ્સો આવતો હોય તેવા લોકોને પણ માનસિક શાંતિ પ્રદાન કરીને વિશેષ લાભ થાય છે.

_*શરીરને લવચીક (Flexible) બનાવે:*_ સૂર્ય નમસ્કાર એ આખા શરીરનું સંપૂર્ણ વર્કઆઉટ છે. આ નિયમિત અભ્યાસને કારણે શરીરના સાંધાઓ અને સ્નાયુઓ મજબૂત બને છે અને શરીર વધારે ફ્લેક્સિબલ એટલે કે લવચીક બને છે.

સૂર્ય નમસ્કાર એ માત્ર એક કસરત નથી, પરંતુ તે એક જીવનશૈલી છે જે તંદુરસ્તીની ચાવી છે. ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’નું સ્વપ્ન સાકાર કરવા માટે, દરરોજ સવારે સૂર્ય નમસ્કારને પોતાની દિનચર્યાનો ભાગ બનાવવુ એ પોતાને અને પોતાના પરિવારના આરોગ્યની સંભાળ તેમજ અભિયાનમાં આપણી સહભાગીતા આપવાનો શ્રેષ્ઠ પ્રયાસ છે.

Back to top button
error: Content is protected !!