NAVSARINAVSARI CITY / TALUKO

KVK કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા ટેકનોલોજી સપ્તાહનો શુભારંભ કરવામાં આવ્યો…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા યોજાયેલા સપ્તાહ કાર્યક્રમમાં પ્રથમ દિવસે રવિ ખેતી પાકોમાં રોગ-જીવાતનાં નિયંત્રણ વિષય પર ખેડૂત શિબિર યોજાઇ: વિવિધ ગામનાં ૧૨૫ થી વધુ ખેડૂત ભાઈ-બહેનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો

ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ પુરસ્કૃત દેશભરનાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા દર વર્ષે ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ નવી અદ્યતન સંશોધિત કૃષિ તકનીકીઓથી ખેડૂતો માહિતગાર થાય અને તેના ઉપયોગ અંગે જાગૃત થાય તે છે. આવા જ ઉમદા હેતુથી નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ.ઝેડ.પી.પટેલ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી દ્વારા આજથી ટેકનોલોજી સપ્તાહની ઉજવણી શરૂ કરવામાં આવી છે. જેમાં આજના પ્રથમ દિવસે રવિ ખેતી પાકોમાં રોગ-જીવાતનાં નિયંત્રણ વિષય પર ખેડૂત શિબિર વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ.હેમંત શર્માનાં અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.

આ ઉપરાંત વર્તમાન સમયમાં ટેકનોલોજીનાં સમન્વયથી થતા સમય અને ખર્ચ બચાવ વિશે, ટેકનોલોજીનાં ખેતીમાં ઉપયોગથી ખેતી ખર્ચ,  ખેતીની અદ્યતન તકનીકીઓ અને દવાનાં છંટકાવ અને તેનાં નુકશાનો અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ સાથે પ્રાકૃતિક ખેતી તરફે આગળ ધપવા હાંકલ કરી હતી. કાર્યક્રમમાં શેરડી, શાકભાજી, કઠોળ પાકમાં આવતી જીવાતોનાં પરિચય સાથે તેનાં નિયંત્રણ અંગે વિસ્તૃત માર્ગદર્શન, ફળ અને શાકભાજી પાકોમાં આવતા રોગો અને તેનાં નિયંત્રણ માટેનાં ઘરગથ્થુ, ઓછા ખર્ચાળ ઉપાયો અંગે ઉડાણપૂર્વક માહિતી આપી હતી.

કાર્યક્રમમાં ખેડૂતો જોઈને જાણે, અનુભવે તે હેતુથી યુનિવર્સિટીનાં જુદા જુદા વિભાગોના અદ્યતન સંશોધનો અને તાંત્રિકીઓનાં કૃષિ પ્રદર્શનોનું પણ આયોજન કરાયું હતું. આ સાથે ડાંગર જી.આર.-૧૭નાં પ્રાકૃતિક પ્લોટની મુલાકાત કરાવી ડાંગરની સરદાર જાત અંગે માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે ખેડૂત ભાઈ-બહેનોને આંબા-ચીકુમાં બાયોફર્ટીલાઈઝર અને નોવેલનાં ઉપયોગ માટે નિદર્શનો પણ આપવામાં આવ્યા હતાં. કાર્યક્રમમાં ડાંભર, અબ્રામા, વેડછા, મટવાડ, સરાવ, બોરીયાંચ, હાંસાપોર, નાની કરોડ ગામનાં ૧૨૫ થી વધુ ખેડૂત ભાઈ-બહેનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

Back to top button
error: Content is protected !!