ડ્રાઇવરની બેદરકારી:આમોદમાં મહિલાનો હાથ બસમાં ચઢતી વેળાં દરવાજામાં આવી જતાં ઇજા પહોંચી
સમીર પટેલ, ભરૂચ
આમોદથી ભરૂચ જવા માટે એસટી બસમાં બેસવા જઇ રહેલી મહિલાને ડ્રાઇવરની બેદરકારીના કારણે ઇજા પહોંચી હતી. મહિલા એસટીમાં બેસે તે પહેલાં ડ્રાઇવરે બસ ઉપાડી દેતાં તેનો હાથ દરવાજામાં આવી ગયો હતો. એસ.ટી તંત્રની ગંભીર બેદરકારી સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
આમોદ રેલવે સ્ટેશન પાસે રહેતા ચંપાબેન વસાવા આમોદથી ભરૂચ જવા માટે નીકળ્યા હતા.તેઓ આમોદ ચોકડી ઉપરથી ભરૂચ જતી એસટી બસમાં ચઢવા જતા હતા ત્યારે એસ.ટી.બસના ચાલકે બસ અચાનક ચાલુ કરી દેતા તેમનો ડાબો હાથ બસના દરવાજામાં ફસાઈ ગયો હતોઅને તેઓ નીચે ફસડાઈ ગયા હતા.જેથી તેમનો ડાબો હાથ ફેક્ચર થઈ ગયો હતો. તેઓને તાત્કાલિક રીક્ષા મારફતે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા. તેઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલમાં રિફર કરવામાં આવ્યા હતા. તેઓના ભાઈ દીપક વસાવાએ જણાવ્યું હતું કે મારા બહેન આમોદથી ભરૂચ જવા માટે બસમાં ચઢતા હતા ત્યારે બસના ચાલકે બસ ઉપાડી મૂકતા મારી બેનનો હાથ દરવાજામાં ફસાઈ ગયો હતોઅને હાથમાં ફેક્ચર થયું હતું.
અમો મહેનત મજૂરી કરીને જીવન ગુજરાન ચલાવીએ છીએ. ઘટના બાદ સલામત સવારી એસટી હમારીના સ્લોગન સામે સવાલો ઉભા થયાં છે.