અમેરિકાની કોઈ યુનિવર્સિટીમાં 5%થી વધુ ભારતીય વિદ્યાર્થીને પ્રવેશ નહીં : ડોનાલ્ડ ટ્રમ્પ
ટેરિફથી ભારતનું નાક દબાવવામાં નિષ્ફળ રહેલા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે ભારતીય વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું હોય એવું લાગી રહ્યું છે. ટ્રમ્પ સરકારે અમેરિકાની યુનિવર્સિટીઓ માટે એક નવી માર્ગદર્શિકા જાહેર કરી છે, જે પ્રમાણે અમેરિકન શૈક્ષણિક સંસ્થાઓને અન્ડરગ્રેજ્યુએટ કક્ષાએ પ્રવેશ લેતા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા સંસ્થાના કુલ વિદ્યાર્થીઓના ફક્ત 15 ટકા સુધી જ મર્યાદિત રાખવાનું કહેવાયું છે. આ ઉપરાંત કોઈ પણ એક દેશના વિદ્યાર્થીઓની સંખ્યા 5 ટકાથી વધુ ન હોવી જોઈએ, એવો નિયમ પણ લાગુ કરાયો છે. આ નિયમોની સીધી અસર ભારતીય વિદ્યાર્થીઓ પર પડશે કારણ કે, અમેરિકા ભણવા જતાં વિદેશી વિદ્યાર્થીઓમાં સૌથી વધુ ભારતના જ હોય છે.
ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન દ્વારા જાહેર કરાયેલી 10 મુદ્દાની માર્ગદશિકાનું શીર્ષક છે, A Compact for Academic Excellence in Higher Education (ઉચ્ચ શિક્ષણમાં શૈક્ષણિક શ્રેષ્ઠતા માટે કરાર). તેના મુખ્ય મુદ્દા નીચે મુજબ છે.
1. શૈક્ષણિક સંસ્થા વિદ્યાર્થી કે સ્ટાફ/ફેકલ્ટીની પ્રવેશ પ્રક્રિયા અને તેને આર્થિક સહાય આપવાના કાર્યમાં જાતિ કે લિંગને ધ્યાનમાં લેશે નહીં.
2. સંસ્થાઓએ જાતિ, લિંગ અને રાષ્ટ્રીય મૂળ દ્વારા વિભાજિત GPA અને ટેસ્ટ સ્કોર્સ સહિતના પ્રવેશ ડેટા જાહેર કરવા પડશે.
3. શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવતા પહેલા બધા અરજદારોએ SAT જેવી પ્રમાણિત પરીક્ષાઓ આપવી ફરજિયાત રહેશે.
4. પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ કોઈ રાજકીય વિચારધારાનું પ્રદર્શન ન કરે, એનું ધ્યાન શૈક્ષણિક સંસ્થાઓએ રાખવાનું રહેશે.
5. શૈક્ષણિક સંસ્થાઓએ ફી પાંચ વર્ષ સુધી સ્થિર રાખવી પડશે અને વહીવટી ખર્ચ ઘટાડવો પડશે.
6. ‘રૂઢિચુસ્ત વિચારસરણીને કારણે ઇરાદાપૂર્વક દંડની કાર્યવાહી કરે, અપમાનિત કરે અથવા હિંસાને પ્રોત્સાહન આપે’ એવા વિભાગોને શૈક્ષણિક સંસ્થાઓએ બંધ કરવા પડશે.
7. પ્રતિ અન્ડરગ્રેજ્યુએટ વિદ્યાર્થી $ 2 મિલિયનથી વધુનું દાન મેળવતી સંસ્થાઓએ ‘હાર્ડ સાયન્સ’ કાર્યક્રમો માટે નોંધાયેલા વિદ્યાર્થીઓની ફી માફ કરવી પડશે.
8. ‘અમેરિકન અને પશ્ચિમી સંસ્કૃતિના મૂલ્યો’ બાબતે શૈક્ષણિક સંસ્થાઓએ વિદેશી વિદ્યાર્થીઓની તપાસ કરવી પડશે અને એની માહિતી ફેડરલ એજન્સીઓને આપવી પડશે.
9. આ અભ્યાસક્રમો દ્વારા થનારી આવક સંસ્થાઓએ જાહેર કરવી પડશે.
10. વિદેશી વિદ્યાર્થીઓની કુલ સંખ્યા અન્ડરગ્રેજ્યુએશન માટે પ્રવેશ મેળવનાર કુલ વિદ્યાર્થીઓના 15%થી વધુ ન હોવી જોઈએ તથા કોઈ એક દેશના વિદ્યાર્થીઓની સંખ્યા અન્ડરગ્રેજ્યુએશન માટે પ્રવેશ મેળવનારા કુલ વિદ્યાર્થીઓના 5%થી વધુ ન હોવી જોઈએ.
હાલમાં અમેરિકાની યુનિવર્સિટીઓમાં ભણવા જતાં સૌથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ ભારતના હોય છે. બીજા ક્રમે ચીન છે. અમેરિકામાં ભણતાં વિદેશી વિદ્યાર્થીઓમાંના 35% વિદ્યાર્થી ભારત અને ચીનના હોય છે, તેથી આ નવા નિયમોની સૌથી વધુ અસર ભારત અને ચીનને થશે.
અમેરિકામાં ભણવા જતાં વિદ્યાર્થીઓની ‘અમેરિકન મૂલ્યો’ સાથેની સુસંગતતા તપાસવાની શરત પણ મૂકાઈ છે, જે યુરોપ અને દક્ષિણ અમેરિકા જેવા દેશોના વિદ્યાર્થીઓની તુલનામાં એશિયન અને આફ્રિકન વિદ્યાર્થીઓ માટે કસોટીરૂપ બનશે.
અમેરિકામાં હાલમાં ભણી રહેલા વિદ્યાર્થીઓ પણ આ નવી શરતોથી ચિંતામાં મુકાઈ ગયા છે. તેમને ડર છે કે નવા નિયમોના કારણે તેમના વિઝા રદ થઈ શકે છે અથવા દેશનિકાલની પણ સ્થિતિ ઊભી થઈ શકે છે, કેમ કે ‘અમેરિકન મૂલ્યો’ સાથેની તેમની સુસંગતતા તપાસીને પછી એ માહિતી ફેડરલ એજન્સીઓ સાથે શેર કરવાની શરત પણ મૂકાઈ છે, જેને લીધે એજન્સીઓ વિદેશી વિદ્યાર્થીઓ પર ‘વિશેષ નજર’ રાખી શકે છે.