ડાંગ જિલ્લાનાં ધામાલા ગામે ફેન્સિંગ તારમાં ફસાયેલા છ વર્ષના નર દીપડાનું સફળ રેસ્ક્યુ..
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં ઉત્તર વન વિભાગ હસ્તકની શીંગાણા રેન્જમાં આવતા ધામાલા ગામે ગઈ કાલે રાત્રે શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવેલા એક દીપડાને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો.આ દીપડો ખેતીની જમીન ફરતે ખેંચાયેલા ફેન્સિંગ તારમાં ફસાઈ ગયો ઓહતો.પ્રાપ્ત માહિતી અનુસાર, 7 ઓક્ટોબરની રાત્રે આશરે 3:00 વાગ્યાના અરસામાં, શિકારની શોધમાં આવેલો દીપડો ખેડૂતે પોતાની ખેતીની સુરક્ષા માટે જમીન ફરતે ખેંચેલા કમ્પાઉન્ડના ફેન્સિંગ તારમાં ફસાઈ ગયો હતો.આ બનાવ શીંગાણા રેન્જના કાકશાળા અને નિશાણા બીટની નજીક થયો હતો.વહેલી સવારે ગ્રામજનોને આ અંગેની જાણ થતા, ગામના આગેવાનોએ તાત્કાલિક શીંગાણા રેન્જ ફોરેસ્ટ વિભાગનો સંપર્ક કર્યો હતો.ઘટનાની ગંભીરતા જોતા, ફોરેસ્ટ વિભાગની ટીમ તુરંત ઘટનાસ્થળે ધસી આવી હતી.દીપડાને વધુ ઈજા ન પહોંચે તે માટે તાત્કાલિક રેસ્ક્યુ ટીમને બોલાવવામાં આવી હતી.રેસ્ક્યુ ટીમે ઝડપી કાર્યવાહી હાથ ધરીને ફસાયેલા દીપડાને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. રેસ્ક્યુ કર્યા બાદ દીપડાને આગળની કાર્યવાહી અને નિરીક્ષણ માટે શીંગાણા રેન્જ કચેરી ખાતે લઈ જવામાં આવ્યો હતો. વન વિભાગના જણાવ્યા અનુસાર, ફસાયેલો દીપડો નર જાતનો હતો અને તેની ઉંમર આશરે છ વર્ષની હોવાનું માલૂમ પડ્યું છે. વન વિભાગની ત્વરિત કામગીરીને કારણે દીપડાનો જીવ બચી ગયો હતો..