‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી: ભરૂચમાં ‘વિકાસ પદયાત્રા’ અને ‘સાંસ્કૃતિક કાર્યક્રમ-2025’નું ભવ્ય આયોજન
સમીર પટેલ, ભરૂચ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાજ્યભરમાં ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી થઈ રહી છે. તેના ભાગરૂપે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘વિકાસ પદયાત્રા’ અને ‘સાંસ્કૃતિક કાર્યક્રમ-2025’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના શક્તિનાથ સર્કલથી માતરિયા તળાવ સુધી યોજાયેલી આ પદયાત્રાનું પ્રારંભ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી તથા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રીના હસ્તે લીલી ઝંડી બતાવી કરીને કરવામાં આવ્યું હતું. પદયાત્રા માતરિયા તળાવ ખાતે પહોંચી પૂરી થઈ હતી, જ્યાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને સાંસ્કૃતિક કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પ્રસંગોચિત પ્રવચન આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ તથા રાજ્યમાં થયેલા સર્વાંગી વિકાસના કાર્યોની ગાથા રજૂ કરી હતી. આ પ્રસંગે પ્રાંત અધિકારી મનીષા મનાણી, મામલતદાર માધવી મિસ્ત્રી, નગરપાલિકાના મુખ્ય અધિકારી હરિશ અગ્રવાલ સહિતના અનેક અધિકારીઓ, કોલેજના વિદ્યાર્થીઓ તથા સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ વિકાસ પદયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોડાઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષના પ્રસંગને ઉત્સાહપૂર્વક ઉજવ્યો હતો.