નર્મદા જિલ્લાના ચિકદા તાલુકાના ઝાંક ગામથી ચૈતર વસાવાએ સ્વભિમાન યાત્રા શરૂ કરી
તાહિર મેમણ- ડેડીયાપાડા- 10/10/2025 – ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે નર્મદા જિલ્લાના ચિકદા તાલુકાના ઝાંક ગામથી સ્વભિમાન યાત્રાની શરૂઆત કરી. ચૈતર વસાવા જુલાઈ મહિનાથી જેલવાસ ભોગવી રહ્યા હતા તેથી ગ્રામજનોની સાથે તેઓ મુલાકાત કરી શક્યા હતા નહીં. તેથી આ યાત્રાના માધ્યમથી પ્રજા વચ્ચે રહી ઘરે ઘરે(ફળિયામાં) જઈ ને લોકો ની નાની મોટી સમસ્યાઓ સાંભળવાનું, લોકો ના સુખ દુઃખ ના પ્રસંગોમાં હાજર રહેવાનું તેમણે નક્કી કર્યું હતું. ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, ડેડીયાપાડામાં કોઈપણ વ્યક્તિને નાનું મોટું કામ હોય તો હું એમને ત્યાં જાઉં છું એમના સુખ દુઃખના પ્રસંગમાં એમની સાથે રહું છું. કોઈને પીવાના પાણીની,રોડ રસ્તાની તકલીફ હોય, કોઈને ફી ભરવાની તકલીફ હોય, કોઈ વિદ્યાર્થીને એડમિશન માટે ભલામણની જરૂર હોય તો હું એમના કામ કરી આપું છું. પહેલેથી મારી આવી વૃત્તિ રહેલી છે. પરંતુ જુલાઈથી ત્રણ મહિના માટે મને ખોટા કેસમાં ફસાવીને જેલમાં મોકલી દેવામાં આવેલો ત્યારે હું તેમના સુખ-દુઃખમાં હાજર રહી શક્યો નહીં. એ લોકોએ મારો મોબાઇલ પણ લઈ લીધો હતો મને ઢસડીને જેલમાં નાખી દીધો હતો તેથી એ લોકો સાથેનો મારો સંપર્ક પણ તૂટી ગયો હતો.
હું ત્રણ મહિનાથી મારા પરિવારજનોને મળ્યો નથી એટલા માટે મારી ઈચ્છા હતી કે તેમના ઘરે જઈ તેમની સાથે ચા પાણી કરીને બધાને મળું અને એમની નાની મોટી કોઈ રજૂઆતો હોય, પ્રાથમિક શાળાની કોઈ રજૂઆત હોય, આંગણવાડીની કોઈ રજૂઆત હોય, ગામના કોઈપણ ફળિયાની રજૂઆત હોય તો એ રજૂઆત અમે નોંધતા જઈએ અને એના ઉપર દિવાળી પછી અમારું કામ ચાલુ કરીએ. ખાસ કરીને મારે યુવાઓને મળવાનું હતું કારણ કે તેઓ વિવિધ જગ્યાએ ભરતીની તૈયારીઓ કરી રહ્યા છે સાથે સાથે તેમનું મનોબળ મજબૂત થાય રમતગમતમાં પણ અમે તેમને પ્રોત્સાહન આપવા માંગીએ છીએ એ જ હેતુથી આજે મુલાકાત માટેનો અમારો દિવસ હતો. ડેડીયાપાડામાં એક વર્ષ સુધી મને જવાની મનાઈ છે એટલા માટે આ વિસ્તારમાં રહી લોકો સાથે રહેવાનું મને ગમે છે એટલા માટે આજે અમારી સ્વભિમાન યાત્રા શરૂ કરી છે. ઝાંક ગામના લોકો કોઈપણ વખતે મારો કોઈપણ પ્રોગ્રામ હોય છે ત્યારે બધા જ લોકો મને આવકારે છે. પોતાના ખર્ચે ફૂલહારથી મારું સ્વાગત કરે છે તેમનો કોઈ સ્વાર્થ નથી પરંતુ અમારો એકબીજા સાથેનો આ નાતો છે. પરિવારના લોકો, માતા- બહેનો જાણે હું એમના ઘરનો દીકરો હોઉ તેવી રીતે ફૂલ હાર પહેરાવીને આરતી ઉતારીને મારું સ્વાગત કરે છે. આ જ અમારા સંબંધોને ટકાવી રાખવા માટે આજે તેમની મુલાકાત માટે હું આવ્યો છું.