GUJARATKUTCHMANDAVI

શિક્ષકોને ફરજિયાત ટેટ પરીક્ષા પાસ કરવાના આદેશ સામે ઉગ્ર બનતો વિરોધ

કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સાંસદને આવેદનપત્ર આપવામાં આવ્યું 

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા. ૧૧ ઓક્ટોબર : ૧ સપ્ટેમ્બર ૨૦૨૫ના શિક્ષક પાત્રતા કસોટી પર સુપ્રિમ કોર્ટના આદેશ બાબતે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને તેના સંલગ્ન ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આંદોલનનો તબક્કાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ હતો. પ્રથમ તબક્કામાં ગત ૧૯ થી ૨૦ સપ્ટેમ્બર દરમ્યાન તમામ જિલ્લા કલેકટરો મારફત વડાપ્રધાનને મેમોરેન્ડમ અપાયું હતું. બીજા તબક્કામાં સમગ્ર રાજ્યની સાથે કચ્છ જિલ્લામાં પણ તમામ શાળા અને તાલુકા કક્ષાએ શિક્ષકોએ સહી ઝુંબેશ ચલાવી ટેટ પરીક્ષા પાસ કરવાના અન્યાયી નિર્ણયનો વિરોધ કર્યો હતો અને વડાપ્રધાન કાર્યાલય ખાતે સહી સાથેના પત્રો લખી મોકલાવ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે ગત તારીખ ૧ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ શિક્ષક પાત્રતા કસોટી (TET) પર સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો જેમાં RTE-અધિનિયમ ૨૦૦૯ અને NCTEના તા. ૨૩/૮/૨૦૧૦ના જાહેરનામા મુજબ ૨૦૧૦ પહેલાં નિમણૂંક પામેલ શિક્ષકોને TET પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવેલ હતી જે સુપ્રીમ કોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે જેનાથી ૨૦૧૦ પહેલાંના તમામ શિક્ષકોને TET પાસ કરવાની ફરજ પડશે તેમજ તેમને ઉચ્ચતર પગાર ધોરણનો પણ લાભ મળશે નહીં. જેથી આ આદેશ બાબતે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘની તા. ૧૪-૧૫ સપ્ટેમ્બર ૨૦૨૫ના દિલ્હી ખાતે મળેલ બેઠકમાં આંદોલન કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો હતો. દેશના દરેક રાજયના દરેક જિલ્લાના શિક્ષકને સ્પર્શતા પ્રશ્ને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી જૈમિન પટેલ દ્વારા પણ તમામ જિલ્લાના શિક્ષકોને આંદોલનમાં જોડાવવા આદેશ કરાયો હતો. કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે પણ કોર્ટના આ આદેશની ટીકા કરી છે જેમાં સુપ્રિમ કોર્ટે શિક્ષકોને એવી ચેતવણી આપી છે કે કાં TET પરીક્ષા પાસ કરો અથવા ફરજિયાત નિવૃતિ સ્વીકારો. ૨૦૧૦ પહેલા TET પરીક્ષા હતી જ નહીં તો શિક્ષકોને આટલા વર્ષો બાદ હવે TET પરીક્ષા માટે ફરજ પાડી શકાય નહીં તેવી દલીલ કરાઈ છે. આંદોલનના ત્રીજા તબક્કામાં તારીખ ૩ થી ૧૦ ઓક્ટોબર દરમ્યાન તમામ સંસદીય મત વિસ્તારોમાં સંસદસભ્ય મારફતે જિલ્લા સંધો દ્વારા વડાપ્રધાનને આવેદનપત્ર આપવા અપાયેલ સંગઠનના આદેશના પગલે આજે કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાને શિક્ષક સંઘના નયનસિંહ જાડેજા, હરિસિંહ જાડેજા, કેરણા આહિર, હરદેવસિંહ જાડેજા, રામુભા જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા, ધીરજ ઠક્કર ,ઘનશ્યામ પટેલ, ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સાંસદ વિનોદ ચાવડા વતી તેમના કાર્યાલય મંત્રી જગદીશગીરી ગોસ્વામીએ આવેદન પત્ર સ્વીકાર્યું હતું. હવે જરૂર જણાયે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સુપ્રિમ કોર્ટમાં પણ પિટીશન ફાઈલ કરવા વિચારવામાં આવશે. આ સાથે રવિવારે ગાંધીનગર ખાતે મળનાર રાજ્યસંઘની સંકલન બેઠકમાં પણ આ મુદ્દે જિલ્લા સંઘો સાથે ચર્ચા વિચારણા કરી આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!