NATIONAL

બોઇંગ-787 વિમાનોને તાત્કાલિક ઉડાન ભરતા રોકી દેવા જોઈએ : ભારતીય પાયલટ સંઘ

એર ઇન્ડિયાના બોઇંગ-787 ડ્રીમલાઇનર વિમાનોમાં તાજેતરના મહિનાઓમાં સતત આવી રહેલી ટેક્નિકલ ખામીઓને પગલે ભારતીય પાયલટ સંઘ (Federation of Indian Pilots – FIP) દ્વારા નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પત્ર લખીને ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. FIPએ માંગ કરી છે કે તમામ બોઇંગ-787 વિમાનોને તાત્કાલિક ઉડાન ભરતા રોકી દેવા જોઈએ અને તેમની સંપૂર્ણ તપાસ થવી જોઈએ.

4 ઑક્ટોબરની ઘટના: અમૃતસરથી બર્મિંગહામ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-117 (બોઇંગ 787-8) લેન્ડિંગના અંતિમ અપ્રોચ સમયે અચાનક તેનું રામ એર ટર્બાઇન (RAT) સક્રિય થઈ ગયું હતું, જેના કારણે વિમાનમાં ઓટોપાયલટ, ILS, ફ્લાઇટ ડાયરેક્ટર્સ અને ફ્લાઇટ કંટ્રોલ સિસ્ટમ્સ સહિતની ઘણી ટેક્નિકલ ગડબડો ઊભી થઈ હતી અને ઓટોલેન્ડિંગની ક્ષમતા પણ ગુમાવી દીધી હતી.
9 ઑક્ટોબરની ઘટના: વિયેતનામથી નવી દિલ્હી આવી રહેલી અન્ય એક એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-154ને સંભવિત ટેક્નિકલ ખામીના કારણે દુબઈ તરફ વાળવી પડી હતી.

પાયલોટ સંઘે જણાવ્યું હતું કે, આ વિમાનોમાં સતત આવતી ખામીઓ અને જાળવણી સંબંધિત સમસ્યાઓના કારણે જ ડાયરેક્ટર જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા તાજેતરમાં એર ઇન્ડિયાનું વિશેષ ઓડિટ શરુ કરવામાં આવ્યું છે.

આ પહેલા FIP એ DGCAને પણ પત્ર લખીને તમામ બોઇંગ-787 વિમાનોની વિદ્યુત પ્રણાલીઓની વિગતવાર તપાસની માંગ કરી હતી. હવે સરકારને મોકલેલા પત્રમાં FIPએ ત્રણ મુખ્ય માંગણીઓ કરી છે:

સઘન અને નિષ્પક્ષ તપાસ: ફ્લાઇટ AI-117 અને AI-154માં તાજેતરમાં થયેલી ઘટનાઓની સંપૂર્ણ અને નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે.

વિમાનોને ઉડાનથી રોકવા: એર ઇન્ડિયાના તમામ બોઇંગ-787 વિમાનોને અસ્થાયી રૂપે ઉડાન ભરતાં રોકી દેવા જોઈએ અને તેમની વિદ્યુત પ્રણાલીઓ સહિત તમામ ટેક્નિકલ ખામીઓની વિગતવાર તપાસ થવી જોઈએ.

DGCA દ્વારા વિશેષ ઓડિટ: DGCAના ફ્લાઇટ સ્ટાન્ડર્ડ્સ ડિરેક્ટોરેટ (FSD), એર સેફ્ટી અને એરવર્ધીનેસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા એર ઇન્ડિયાનું વિશેષ ઓડિટ કરાવવામાં આવે, જેમાં બોઇંગ-787 વિમાનોમાં વારંવાર આવતી ખામીઓ અને MEL (મિનિમમ ઇક્વિપમેન્ટ લિસ્ટ) રિલીઝની પ્રક્રિયાની તપાસનો સમાવેશ થાય.

FIP એ એવો પણ દાવો કર્યો કે, જ્યારથી વિમાનોની જાળવણીનું કામ નવા એન્જિનિયરોના હાથમાં આવ્યું છે, ત્યારથી આવી ઘટનાઓમાં વધારો થયો છે.

ટાટા ગ્રૂપની માલિકીની એર ઇન્ડિયાએ 4 ઑક્ટોબરની ફ્લાઇટ AI-154 માં ઈલેક્ટ્રિકલ ફેલ્યોરના દાવાઓને સંપૂર્ણપણે નકારી દીધા છે.

એર ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું કે, ફ્લાઇટ AI-117માં RAT ખુલવાની ઘટના ‘અનકમાન્ડેડ’ (બિનઆદેશિત) હતી, જે બોઇંગના રિપોર્ટ મુજબ અન્ય એરલાઇન્સમાં પણ ભૂતકાળમાં થઈ ચૂકી છે. કંપનીએ સ્પષ્ટતા કરી કે, લેન્ડિંગ સમયે RAT ખુલ્યું હોવા છતાં, ક્રૂએ તપાસમાં શોધી કાઢ્યું હતું કે તમામ ઈલેક્ટ્રિકલ અને હાઇડ્રોલિક પેરામીટર સામાન્ય હતા અને વિમાન સુરક્ષિત રીતે ઉતર્યું હતું.

કંપનીએ દાવો કર્યો કે, પ્રારંભિક તપાસમાં સ્પષ્ટ થયું છે કે RAT ખુલવું એ ન તો કોઈ ટેક્નિકલ ખામીને કારણે હતું કે ન તો પાયલોટની ભૂલના કારણે. તપાસ બાદ વિમાનને સેવામાં પાછું લેવામાં આવ્યું હતું અને 5 ઑક્ટોબરે તેણે બર્મિંગહામથી દિલ્હી માટે ઉડાન ભરી હતી. એર ઇન્ડિયાએ ભારપૂર્વક જણાવ્યું કે મુસાફરો અને ક્રૂની સુરક્ષા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

Back to top button
error: Content is protected !!