GUJARATJUNAGADHKESHOD

કેશોદમાં નીતિ-નિયમોને નેવે મૂકી ચાલી રહ્યા છે ફટાકડાના સ્ટોલ, તંત્રનું મૌન ચિંતાજનક

કેશોદમાં નીતિ-નિયમોને નેવે મૂકી ચાલી રહ્યા છે ફટાકડાના સ્ટોલ, તંત્રનું મૌન ચિંતાજનક

દિવાળીના તહેવારની આવક સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં ફટાકડાના સ્ટોલો ધડાધડ શરૂ થઈ ગયા છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે પ્રાથમિક માહિતી મુજબ હજી સુધી ફટાકડાના સ્ટોલ ધારકોને કોઈપણ પ્રકારનું લાયસન્સ આપવામાં આવ્યું નથી. લાયસન્સ વિના જ વેપાર શરૂ કરી દેવામાં આવ્યો હોવાની ચર્ચાએ તંત્રની કામગીરી ઉપર અનેક સવાલો ઊભા કર્યા છે.સ્થાનિક સ્તરે મળતી માહિતી મુજબ ઘણા સ્ટોલ ધારકો દ્વારા નિયમો અને સુરક્ષા ધોરણોની કોઈ કાળજી લેવામાં આવી નથી. ફટાકડાનો મોટો સ્ટોક એક સાથે જ રાખવામાં આવી રહ્યો છે, જે સુરક્ષાની દ્રષ્ટિએ અતિ જોખમી ગણાય છે. ફટાકડાના સ્ટોલોમાં આગ લાગવા અથવા વિસ્ફોટ થવાની શક્યતા હંમેશા રહેલી હોય છે, છતાં પણ વહીવટી તંત્ર આ બાબતે કોઈ દેખીતી કાર્યવાહી કર્યા વિના મૌન છે.સૌથી ચિંતાની બાબત એ છે કે અનેક સ્ટોલ રહેણાંક વિસ્તારોમાં જ શરૂ કરવામાં આવ્યા છે. બાળકો, વૃદ્ધો અને સામાન્ય નાગરિકોની સલામતી સાથેનો આ સીધો જોખમ ગણાય છે. જો આવનારા દિવસોમાં કોઈ દુર્ઘટના બને તો તેની જવાબદારી કોણ લેશે? આ સવાલ હાલમાં નાગરિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.ફટાકડાના સ્ટોલ શરૂ કરવા માટે સામાન્ય રીતે લાયસન્સ મેળવવું ફરજિયાત ગણાય છે. તે માટે અરજદારને પોલીસ વિભાગ, ફાયર વિભાગ તથા વહીવટી તંત્ર દ્વારા નક્કી કરાયેલા નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે. લાયસન્સ મેળવ્યા બાદ જ વેચાણ કરવાની મંજૂરી આપવામાં આવે છે. પરંતુ કેશોદમાં હાલ આ નિયમો માત્ર કાગળ પર જ સીમિત રહી ગયા હોવાનું જણાઈ રહ્યું છે.સ્થાનિક નાગરિકો અને વેપારીઓએ તંત્રને હાકલ કરી છે કે તાત્કાલિક તપાસ હાથ ધરી લાયસન્સ વિના ચાલતા ફટાકડાના સ્ટોલો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી કોઈ જાનહાનિ કે અકસ્માત ન બને. તંત્ર દ્વારા જો વહેલી તકે પગલાં લેવામાં નહીં આવે તો કોઈ અનિચ્છનીય ઘટના બને એ પહેલાં જવાબદારી નક્કી કરવી મુશ્કેલ બનશે.દિવાળીના તહેવારની ઉજવણી આનંદ અને સુરક્ષા સાથે થવી એ સૌની જવાબદારી છે. તંત્ર અને ફટાકડા વેચાણકારો બંનેએ નિયમોનું પાલન કરે તે જ શહેરના નાગરિકો માટે સાચી દિવાળી ગણાય.

રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!