ભરૂચમાં દિવાળી પહેલા પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ: ભાડુઆત રજીસ્ટ્રેશન, CCTV, મજૂર વેરિફિકેશન ભંગના 480 ગુના દાખલ
સમીર પટેલ, ભરૂચ
દિવાળી તહેવાર નિમિત્તે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ (વડોદરા વિભાગ) તથા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ 9 મી ઓક્ટોબરથી 12 મી ઓક્ટોબર સુધી ચારની “સ્પેશ્યલ ડ્રાઇવ” યોજાઈ હતી. આ અભિયાન અંતર્ગત જિલ્લા પોલીસ દ્વારા તમામ પોલીસ સ્ટેશનોમાં કુલ 37 ટીમો રચી વિવિધ હેડવાઈઝ ઇન્ડસ્ટ્રીયલ એરિયા, લેબર કોલોની તથા ભીડભાડવાળી જગ્યાઓએ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.ચેકિંગ દરમિયાન મકાનમાલિકો અને દુકાનમાલિકોએ પરપ્રાંતીય ભાડુઆતો અંગેની માહિતી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાવી ન હોવા ઉપરાંત ભાડા કરારનું રજીસ્ટ્રેશન ન કરાવ્યાના ગુના નોંધાયા હતા. તદુપરાંત હોટલ,ગેસ્ટ હાઉસ, સ્પા, મેડિકલ અને ફાર્મસી જેવા સ્થાનોમાં સ્પષ્ટ CCTV કેમેરા ન લગાવનાર તેમજ બહારગામના મજૂરોની પોલીસ વેરિફીકેશન ન કરાવનાર માલિકો અને સંચાલકો સામે પણ કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ અભિયાન દરમ્યાન કુલ 480 જાહેરનામા ભંગના ગુના ભારતીય ન્યાય સંહિતા (બી.એન.એસ.) 2023ની કલમ 223(બી) મુજબ નોંધાઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા જણાવાયું છે કે તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આવા ચેકિંગ અભિયાન સતત ચાલુ રહેશે અને જાહેરનામાનું પાલન ન કરનાર સામે કડક કાર્યવાહી હાથ ધરાશે.