ઝાલાવાડ શોપિંગ ફેસ્ટિવલ’ ત્રિ-દિવસીય સ્વદેશી મેળાને ખુલ્લો મુકતાં પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરા
નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ ચંદુભાઈ સિહોરા સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ
તા.13/10/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
અતુલ્ય વારસોનું વિશેષ પ્રકાશન વારસે મળ્યું વઢવાણનું વિમોચન કરતાં મહાનુભાવો
વિકાસ સપ્તાહ અને શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા તા. ૧૨, ૧૩ અને ૧૪ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન સુરેન્દ્રનગરના મેળાનું મેદાન, પતરાવાળી ખાતે ’ઝાલાવાડ શોપિંગ ફેસ્ટિવલ’ સ્વદેશી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિ, વન અને પર્યાવરણ, ક્લાયમેટ ચેન્જના મંત્રી મુળુભાઈ બેરાના વરદહસ્તે મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ ત્રિ-દિવસીય ફેસ્ટિવલનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે મંત્રી મુળુભાઈ બેરાએ લોકોને સ્વદેશી વસ્તુઓ ખરીદીને આત્મનિર્ભર ભારતના સંકલ્પમાં સહભાગી થવા અનુરોધ કરતાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા વિવિધ મેળાઓ અને માધ્યમો થકી કારીગરોને સ્ટોલ ફાળવી સ્થાનિક ઉત્પાદનોના વેચાણ માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે જેથી સ્થાનિક કારીગરો પોતાની વસ્તુઓનું વેચાણ કરી શકે. મંત્રીએ લોકોને આ મેળાના ૭૦થી વધુ સ્ટોલની મુલાકાત લેવા તેમજ નાની-મોટી ખરીદી કરવા આહ્વાન કર્યું હતું આ ખરીદી દ્વારા આપણે આપણા જ ભાઈઓ બહેનોને રોજગારી આપવામાં પૂરક મદદરૂપ થઈ શકીશું તેમણે સુરેન્દ્રનગરના વણાટ કામ, માટીમાંથી બનતી વસ્તુઓ અને પ્રાકૃતિક ખેડૂતો દ્વારા તૈયાર કરવામાં આવેલા અલગ અલગ ઉત્પાદોની પ્રશંસા કરી હતી મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત’ બનાવવાના સંકલ્પનો ઉલ્લેખ કરતા ‘આત્મનિર્ભર ભારતની વિભાવના સમજાવતા ભારપૂર્વક જણાવ્યું કે આત્મનિર્ભર ભારત ત્યારે જ બને જ્યારે આપણે નક્કી કરીએ કે હવે કોઈપણ વિદેશી વસ્તુ નહીં ખરીદીએ અને ઘરે ઘરે સ્વદેશીનો પ્રચાર કરીશું રોજીંદા જીવનથી લઈને જ્યાં જ્યાં જરૂરિયાત પડે ત્યાં ભારતમાં બનેલી વસ્તુઓનો જ ઉપયોગ કરવો જોઈએ આ ઉપરાંત લોકોને મેસેજ, વ્હોટસેપ કે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના પરિચિતોને ઝાલાવાડ ફેસ્ટિવલની મુલાકાત લેવા અને ખરીદી કરવા જણાવવા માટે અનુરોધ કર્યો હતો આ તકે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ પ્રસંગોચિત ઉદબોધન કરતાં કહ્યું હતું કે આ સ્વદેશી મેળો દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત @૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવા માટેનું એક પગલું છે આ કાર્યક્રમ ‘આત્મનિર્ભર ભારતની સંકલ્પના માટે ‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન આપે છે મેળાનો મુખ્ય હેતુ એ છે કે જિલ્લાના કારીગરો દ્વારા બનાવેલી સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી કરવા માટે ઝાલાવાડ વાસીઓને એક ઉત્તમ પ્લેટફોર્મ મળી રહે આ મેળો ૧૨, ૧૩ અને ૧૪ એમ ત્રણ દિવસ સુધી જિલ્લાના લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે તો દરેક નગરજનોએ એક વાર અવશ્ય મુલાકાત લેવી જોઈએ આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અતુલ્ય વારસોનું વિશેષ પ્રકાશન ‘વારસે મઢ્યું વઢવાણનું વિમોચન કરવામાં આવ્યું હતું મેળાના ઉદ્ઘાટન બાદ સર્વે મહાનુભાવોએ મેળામાં આવેલા ૭૦ થી વધુ સ્ટોલની મુલાકાત લઈ સ્ટોલધારકો સાથે સહજભાવે વાતચીત કરી તેમના દ્વારા ઉત્પાદિત ઉત્પાદો વિશે જાણકારી મેળવી હતી સ્ટોલ ધારકોના ચહેરા ઉપર તેમની બનાવેલી વસ્તુઓનું વેચાણ થવાના ભાવ સાથે ખુશહાલી અને અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો વિકાસ સપ્તાહ અંતર્ગત દિવાળીના પર્વ પર સ્થાનિક ઉદ્યોગકારો અને હસ્તકલાના કારીગરોને રોજગારી મળી રહે તેવા હેતુથી આયોજિત આ મેળામાં વેચાણ-પ્રદર્શન, ખાણીપીણી સહિતના ૭૦ થી વધુ સ્ટોલ ઉભા કરાયા છે આ સ્ટોલ પર સ્થાનિક કારીગરો અને સખી મંડળની બહેનો દ્વારા ગૃહ સુશોભન માટેની વસ્તુઓ, ઘરે બનાવેલ સાબુ-શેમ્પૂ અને કોસ્મેટીક્સ, વિવિધ ખાદ્ય સામગ્રી, સાડી-ડ્રેસ મટીરીયલ જેવા વસ્ત્રો તથા માટીકલા, કાષ્ઠકલા સહિતની વિવિધ હસ્તકલાની વસ્તુઓનું વેચાણ અને પ્રદર્શન થઈ રહ્યું છે આ મેળાના ઉદ્ઘાટન વેળાએ નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ ચંદુભાઈ સિહોરા, અગ્રણી હિતેન્દ્રસિંહ ચૌહાણ, રાજભા ઝાલા, શ્રીમતી જીજ્ઞાબેન પંડ્યા સહિતના પદાધિકારીઓ, જિલ્લા સમાહર્તા ડો. રાજેન્દ્રકુમાર પટેલ, મ્યુનિસિપલ કમિશનર ડો. નવનાથ ગવ્હાણે, નાયબ મ્યુનિસિપલ કમિશનર અર્જુન ચાવડા, વઢવાણ પ્રાંત અધિકારી મેહુલભાઈ ભરવાડ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ખરીદીના આકર્ષણની સાથે, આ શોપિંગ ફેસ્ટિવલમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્રણેય દિવસ દરમિયાન દરરોજ સાંજે ૮:૦૦ કલાકે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે, જેમાં ૧૨મી ઓક્ટોબરે ગણેશ સ્તુતિ, મણીયારો રાસ, સીદી ધમાલ નૃત્ય, હુડો રાસ, ગોફ ગુંથણ; ૧૩મી ઓક્ટોબરે કરાટે ડેમો, રાસ મંડળી, લોક ડાયરો; તથા ૧૪મી ઓક્ટોબરે હુડો રાસ, પઢાર, લોક ડાયરો જેવા કાર્યક્રમો દ્વારા ઝાલાવાડની સમૃદ્ધ સંસ્કૃતિની ઝાંખી રજૂ કરવામાં આવશે.