1લાખ થી વધુ શાળાઓ છે જ્યાં ફક્ત એક જ શિક્ષક ભણાવે છે : શિક્ષણ મંત્રાલય
સમગ્રે દેશમાં એક લાખથી વધારે શાળાઓ એવી છે જેમાં ફક્ત એક જ શિક્ષક છે અને આવી શાળાઓમાં કુલ 33 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભણી રહ્યાં છે તેમ સત્તાવાર આંકડાઓમાં જણાવવામાં આવ્યું છે.
આ આંકડાઓ અનુસાર એક જ શિક્ષક ધરાવતી સૌથી વધુ શાળાઓ આંધ્ર પ્રદેશમાં આવેલી છે. શિક્ષણ મંત્રાલયના આંકડા અનુસાર શૈક્ષણિક વર્ષ 2024-25 માં ભારતમાં એક શિક્ષકથી ચાલતી ૧,૦૪,૧૨૫ શાળાઓ છે.
એક શિક્ષકથી ચાલતી શાળાઓમાં ભણતા કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 3376769 છે. એટલે કે આવી એક શાળામાં સરેરાશ 34 વિદ્યાર્થીઓ ભણી રહ્યાં છે.
શિક્ષણનો અધિકાર કાયદો, 2009 અનુસાર પ્રાથમિક સ્તરે ધોરણ 1 થી 5માં 30 બાળકોએ એક શિક્ષક અને ઉચ્ચ પ્રાથમિક સ્તરે ધોરણ 6 થી 8માં 35 બાળકોએ એક શિક્ષક ફરજિયાત છે.
એક શિક્ષક ધરાવતી સૌથી વધુ શાળાઓ આંધ્ર પ્રદેશમાં આવેલી છે. ત્યારબાદ ઉત્તર પ્રદેશ, ઝારખંડ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને લક્ષદ્વીપનો ક્રમ આવે છે. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ એક શિક્ષક ધરાવતી શાળાઓમાં ભણે છે.ત્યારબાદ ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશનો ક્રમ આવે છે.
આંકડાઓ અનુસાર શૈક્ષણિક વર્ષ 2022-23 માં એક શિક્ષક ધરાવતી શાળાઓની સંખ્યા 118190 હતી જે શૈક્ષણિક વર્ષ 2023-24માં ઘટીને 110971 થઇ ગઇ હતી.
એક શિક્ષક ધરાવતી શાળાઓ આંધ્ર પ્રદેશમાં 12912, ઉત્તર પ્રદેશમાં 9508, ઝારખંડમાં 9172, પશ્ચિમ બંગાળમાં 6482, રાજસ્થાનમાં 6117, છત્તીસગઢમાં 5973 અને તેલંગણામાં 5001 છે.
ઉત્તર પ્રદેશમાં એક શિક્ષક ધરાવતી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા 624327 છે. આવી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા ઝારખંડમાં 436480 , પશ્ચિમ બંગાળમાં 235494, મધ્ય પ્રદેશમાં 229095, કર્ણાટકમાં 223142, આંધ્ર પ્રદેશમાં197113 અને રાજસ્થાનમાં 172071છે.