વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા. ૧૩ ઓક્ટોબર : રાજ્યના એકાદ – બે જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારીઓ દ્વારા દિવાળી વેકેશન બાબતે પરિપત્રમાં ભૂલ થઈ હતી. જેમાં તેમના દ્વારા ૧૭ ઓક્ટોબરથી ૬ નવેમ્બર સુધી દિવાળી વેકેશન અંગે સૂચના આપેલ હતી. જેના લીધે રાજ્યના વિવિધ સમાચાર માધ્યમોમાં પણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં દિવાળી વેકેશન તા. ૧૬ ઓક્ટોબરથી ૫ નવેમ્બર જ્યારે પ્રાથમિક શાળાઓમાં દિવાળી વેકેશન ૧ દિવસ પાછળ એટલે કે ૧૭ ઓક્ટોબરથી ૬ નવેમ્બર એ રીતે અલગ – અલગ સમાચારો વહેતા થયા હતા. જેના લીધે રાજ્યની શાળાઓમાં દિવાળી વેકેશન બાબતે વાલીઓ , બાળકો અને શિક્ષકોમાં પણ અસમંજસતા ફેલાયેલી હતી. સામાન્ય રીતે રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વેકેશનની તારીખો એક સરખી રહે તે મુજબ દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા કેલેન્ડરમાં દર્શાવેલ તારીખ મુજબ રાજ્યમાં આવેલ તમામ શાળાઓ માટે વેકેશન નિયત કરવામાં આવે છે. આ વખતે પણ આ કેલેન્ડરમાં દિવાળી વેકેશન ૧૬ ઓક્ટોબરથી ૫ નવેમ્બર સુધી જ દર્શાવેલ છે. આમ છતાં શિક્ષકો દ્વારા દિવાળી વેકેશન અંગે સ્પષ્ટતા કરવા ગાંધીનગર ખાતે રવિવારે મળેલ રાજ્યસંઘની સંકલન બેઠકમાં આ પ્રશ્ન રજૂ થતાં આજે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, મહામંત્રી જૈમિન પટેલ, સિનિયર મંત્રી પ્રભાતસિંહ ખાંટ, કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજા, કર્મચારી મહામંડળના પ્રમુખ સતીશ પટેલ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રમુખ મેરામણ ગોરિયા સહિતના આગેવાનોએ પ્રાથમિક શિક્ષણ નિયામક ડો. એમ.આઈ. જોશીને રૂબરૂ મળી આ બાબતે સ્પષ્ટતા કરવા જણાવ્યું હતું જેના પ્રત્યુતરમાં નિયામકે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં દિવાળી વેકેશન એકસરખું એટલે કે ૧૬ ઓક્ટોબરથી ૫ નવેમ્બર સુધીનું ૨૧ દિવસનું રહેશે. ૬ નવેમ્બરથી બીજા સત્રનો પ્રારંભ થાશે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે હવે દિવાળી અને ઉનાળુ વેકેશનની સૂચના આપવા બાબતનો કોઇ અલગ પરિપત્ર અત્રેની કચેરી દ્વારા કરવામાં આવશે નહીં. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નક્કી કરેલ શૈક્ષણિક સત્ર અને વેકેશનની તારીખો અનુસરવાની રહેશે. વેકેશનની તારીખોમાં જો કોઇ ફેરફાર હશે તો જ તેની અલગથી સૂચના આપવામાં આવશે.