વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રાજ્યના વિકાસ કાર્યોની ગાથાને જન-જન સુધી પહોંચાડવા અને યુવાનોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વિકસાવવાના ઉમદા હેતુ સાથે ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે ‘વિકાસ સપ્તાહ ૨૦૨૫-૨૬નો ભવ્ય કાર્યક્રમ ઉજવાયો.કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ડાંગ દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ કાર્યક્રમની શરૂઆત સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી ઋતુમ્ભરા કન્યા શાળા સુધીની વિકાસ પદયાત્રાથી કરવામાં આવી હતી, જેમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પદયાત્રામાં સ્થાનિક શાળાના વિદ્યાર્થીઓ, સાંદિપની શાળાના વિદ્યાર્થીઓ, તેમજ એકલવ્ય રેસિડેનશિયલ સ્કૂલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાઈને રાજ્યના વિકાસ પ્રત્યે પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.આ ભવ્ય કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પરમ પૂજ્ય પી.પી. સ્વામીજી (સંતોકબા ધોળકિયા, માલેગાંવ)નાઓ ઉપસ્થિત રહ્યા હતા.તેમના આશીર્વાદ અને પ્રેરક વચનોથી સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ઉત્સાહથી છલકાઈ ઉઠ્યું હતું.આ પ્રસંગે અન્ય વિશિષ્ટ મહેમાનો પણ હાજર રહ્યા હતા, જેમાં સાપુતારા પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. ગઢવી, સાપુતારા હોટલ એસોસિએશનના પ્રમુખ તુકારામ કર્ડિલે, જિલ્લા રમત વિકાસ અધિકારી અલ્કેશભાઈ પટેલ, જિલ્લા યુવા પ્રાંત અધિકારી ચેતનભાઈ ત્રિવેદી, અને જિલ્લા યુવા કાર્યક્રમ અધિકારી શ જેમીન રાવલનો સમાવેશ થાય છે. આ મહાનુભાવોની ઉપસ્થિતિએ કાર્યક્રમની ગરિમા વધારી હતી.આ વિકાસ સપ્તાહના આયોજનનો મુખ્ય હેતુ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા વિવિધ વિકાસ કાર્યો અંગે જનજાગૃતિ લાવવાનો તથા ખાસ કરીને યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ અને સેવા ભાવના વિકસાવવાનો હતો. કાર્યક્રમ દ્વારા ગુજરાતની વિકાસ યાત્રાને લોકો સમક્ષ ઉજાગર કરવામાં આવી, જેથી દરેક નાગરિક રાજ્યની પ્રગતિમાં પોતાની ભૂમિકા સમજી શકે.સમગ્ર કાર્યક્રમનું સફળ અને સુચારુ સંચાલન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ડાંગ દ્વારા કરવામાં આવ્યું હતુ, જે બદલ સૌએ તેમની કામગીરીને બિરદાવી હતી. આ કાર્યક્રમ સાબિત કરે છે કે ડાંગ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં પણ વિકાસના સંદેશને ઉત્સાહપૂર્વક આવકારવામાં આવે છે..