મહિલા સુરક્ષા દિવસની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીનીઓને સેલ્ફ ડિફેન્સ,મહિલાલક્ષી યોજનાઓ અને ઘરેલુ હિંસા અંગે જાણકારી અપાઈ

તારીખ ૦૨/૦૮/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કમિશ્નર,મહિલા અને બાળ વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ પંચમહાલ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા નારી વંદન સપ્તાહની ઉજવણી અંતર્ગત કાલોલ તાલુકાના વેજલપુરમાં આવેલ શ્રીમતી એસ.આર.દવે કન્યા વિદ્યાલય ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીકરીઓને સ્વરક્ષા (સેલ્ફ-ડિફેન્સ) કેવી રીતે કરવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહિલાલક્ષી વિવિધ કાયદાઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી જેથી તેઓ પોતાના અધિકારોથી વાકેફ થઈ શકે. ઉપરાંત મહિલાઓને ઘરેલુ હિંસાથી બચવા અને કાનૂની સહાય મેળવવા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.તેમજ “વહાલી દીકરી યોજના” અંતર્ગત નવજાત બાળકીઓ માટે ‘દીકરી વધામણા કીટ’નું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય હેતુ દીકરીના જન્મનું સ્વાગત કરવા અને સમાજમાં દીકરીઓના મહત્વને ઉજાગર કરવાનો છે.
આ કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારી માધવીબેન, શાળાના ટ્રસ્ટીઅને આચાર્ય, DHEW મિશન કોર્ડીનેટર,OSC કેન્દ્ર સંચાલક, PBSC કાઉન્સિલર,181 અભયમના કાઉન્સિલર, અન્ય સંસ્થાઓના પ્રતિનિધિઓ અને વકીલ સહિત મોટી સંખ્યામાં શાળાની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.
ઉલ્લેખનીય છે કે મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા આજે તા.૦૧/૦૮/૨૦૨૫ થી શરૂ થયેલ નારી વંદન ઉત્સવ સપ્તાહ હેઠળ તા.૦૮/૦૮/૨૦૨૫ સુધી વિવિધ દિવસની ઉજવણી કરવામાં આવશે.







