MORBI:મોરબી જિલ્લામાં દિવાળીના પર્વ અનુસંધાને ફટાકડાના વેચાણ તથા ફટાકડા ફોડવા બાબતે વિવિધ કૃત્યો પર પ્રતિબંધ મુકતું જાહેરનામું બહાર પડાયું
MORBI:મોરબી જિલ્લામાં દિવાળીના પર્વ અનુસંધાને ફટાકડાના વેચાણ તથા ફટાકડા ફોડવા બાબતે વિવિધ કૃત્યો પર પ્રતિબંધ મુકતું જાહેરનામું બહાર પડાયું
વર્તમાન સમયમાં દિવાળી અને નૂતન વર્ષના તહેવારો દરમિયાન જાહેરમાં ફટાકડા ફોડવાથી પર્યાવરણ તથા જાહેર આરોગ્યને થતી વિપરીત અસરના સંબંધમાં નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા રીટ પીટીશન સબબ દિવાળીના તહેવાર તથા અન્ય તહેવારો નિમિતે જાહેર જનતાને ભયજનક કે હાનિકારક પર્યાવરણ તથા ધ્વનિ પ્રદૂષણની વિપરીત અસરથી રક્ષણ આપવા માટે ફટાકડાના ઉત્પાદન, વેચાણ તથા ફટાકડા ફોડવા બાબતે દિશાનિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે.
તેના અમલીકરણ માટે તથા દિવાળીના તહેવારો દરમિયાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ, અકસ્માતના બનાવો ન બને, જાહેર જનતાની સલામતી માટે અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે સમગ્ર મોરબી જિલ્લામાં ફટાકડાના ખરીદ, વેચાણ તથા ઉપયોગ ઉપર નિયંત્રણ મુકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
તેથી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી કે.બી.ઝવેરી, મોરબી દ્વારા સમગ્ર મોરબી જિલ્લામાં આગ, અકસ્માતના બનાવો ન બને, જાહેર સલામતી માટે અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે જરૂરી નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જણાવ્યા અનુસાર,
(૧) નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડા કે જે ઓછા એમિશન ઉત્પન્ન કરે છે, તેના ઉત્પાદન અને વેચાણની પરવાનગી આપવામાં આવી છે. આ સિવાયના તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન અને વેચાણ પર નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો હોઈ તેમનું ઉત્પાદન કે વેચાણ કરી શકાશે નહીં.
(૨) ભારે ઘોંઘાટવાળા ફટાકડા સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક હોવાથી તથા વધુ પ્રમાણમાં હવાનું પ્રદુષણ અને ઘન કચરો પેદા કરતા બાંધેલા ફટાકડા જેવા કે Joint firecrackers, Series Cracker or Larisપર નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો હોઈ તેને રાખી કે ફોડી શકાશે નહીં તથા તેનું વેચાણ કરી શકાશે નહીં.
(૩) ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સ ધારક વેપારીઓ દ્વારા જ કરવાનું રહેશે. આ વેપારીઓએ નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ પરવાનગી આપવામાં આવેલા ફટાકડાઓનું જ વેચાણ કરવાનું રહેશે.
(૪) તમામ ઈ-કોમર્સ વેબસાઈટને ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
(૫) ફટાકડા બનાવવા માટે બેરીયમના ઉપયોગ પર નામદાર સુપ્રિમ કોર્ટે પ્રતિબંધ મુકેલો હોઈ તેનો ઉપયોગ કરી શકાશે નહીં.
(૬) દિવાળી તથા અન્ય તહેવારો કે જેમાં ફટાકડા રાત્રે ૦૮:૦૦ થી ૧૦:૦૦ કલાક સુધી જ ફોડી શકાશે. તેમજ ક્રિસમસ અને નૂતન વર્ષના તહેવાર દરમિયાન ફટાકડા રાત્રે ૨૩:૫૫ કલાકથી ૦૦:૩૦ કલાક સુધી જ ફોડી શકાશે.
(૭) હોસ્પિટલ, નર્સિંગહોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારને સાયલેન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં.
(૮) પુખ્ત વ્યક્તિ સાથે ન હોય ત્યાં સુધી ૧૮ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ફટાકડાનું વેચાણ કરવાનું રહેશે નહીં
(૯) ફટાકડાનો સંગ્રહ અને વેચાણ દરમિયાન ધુમ્રપાન અથવા કોઈપણ પ્રકારના દીવા, ફાનસ કે મીણબત્તીને મંજૂરી આપવાની રહેશે નહીં.
(૧૦) ફટાકડાની દુકાનમાં પર્યાપ્ત માત્રામાં અગ્નિસામક સાધનો પાણીનો ડ્રમ તથા રેતીને ડોલ રાખવાની રહેશે.
(૧૧) દુકાનની સામે કોઈ કામ ચલાઉ શેડ કે પ્લેટફોર્મ બનાવવાના રહેશે નહીં, દુકાનમાં ઇલેક્ટ્રીક કનેક્શન યોગ્ય રીતે કરેલું હોવાનું રહેશે. ચાઈનીઝ તુક્કલ લેન્ડને તથા આતશબાજી બલુનના વેચાણ પર તેમજ ઉડાડવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે. આ પ્રતિબંધાત્મક જાહેરનામું આગામી તારીખ ૧૮/૧૦/૨૦૨૫ થી ૦૫/૧૧/૨૦૨૫ સુધી, ૨૪/૧૨/૨૦૨૫ ના રોજ ૨૩:૫૫ કલાકથી ૨૫/૧૨/૨૦૨૫ ના રોજ ૦૦:૩૦ કલાક સુધી તથા ૩૧/૧૨/૨૦૨૫ ના રોજ ૨૩:૫૫ થી ૦૧/૦૧/૨૦૨૬ ના રોજ ૦૦:૩૦ સુધી કલાક સુધી અમલમાં રહેશે.