જન્મદિનની સાંજ, ગાંધીજી અને કસ્તુરબાના નામ : સાબરમતી આશ્રમમાં અશોક ગોકળદાસ પટેલની અનોખી ઉજવણી
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ : સાંજનો સમય સાબરમતી આશ્રમ માટે ખાસ બની ગયો જ્યારે સ્વાતંત્ર્ય સેનાની ગોકળદાસ પટેલના પુત્ર અને પ્રખર ગાંધીભક્ત અશોક ગોકળદાસ પટેલે પોતાના 72મા જન્મદિવસની ઉજવણી ધર્મસ્થાન સમા આ આશ્રમમાં કરી. આજના સમયમાં જ્યાં લોકો પોતાના જન્મદિવસે ભવ્ય પાર્ટીઓ અથવા રિસોર્ટમાં ઉજવણી કરતા હોય છે, ત્યાં અશોક પટેલે સેવા, સંકલ્પ અને સંસ્કારના આદર્શ માર્ગ પર ચાલી એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું.
આ પ્રસંગે અશોક પટેલે આશ્રમ સંચાલિત સેવાવસ્તિના અનાથ બાળકો સાથે સમય વિતાવ્યો, તેમની વચ્ચે જીવનજરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કર્યું અને સૌ સાથે ગાંધીભજનો ગાયા. જાણીતા ભજન ગાયક રમેશ બારોટે ‘વૈષ્ણવ જન તો તે ને રે કહીએ’ અને ‘રઘુપતિ રાઘવ રાજારામ’ જેવા ગાંધીજીના પ્રિય ભજનો રજૂ કરીને વાતાવરણને ભાવસભર બનાવ્યું.
જાણીતા પત્રકાર રમેશ તન્નાએ કસ્તુરબા ગાંધીના જીવનપ્રસંગો અને તેમના ત્યાગમય સહયોગ પર પ્રકાશ પાડતાં જણાવ્યું કે “કસ્તુરબા માત્ર મહાત્મા ગાંધીની જીવનસાથી નહોતી, પરંતુ ભારતના સ્ત્રી શક્તિના જાગરણનું પ્રતીક હતી.”
અશોક પટેલે આ અવસરે જણાવ્યું કે તેમનું કુટુંબ ગાંધીજી અને સરદાર પટેલના આશીર્વાદથી પ્રેરિત રહ્યું છે. તેમના પિતાને ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ માટે ગાંધીજીની ભલામણથી સ્કોલરશીપ મળેલી હતી, જેનાથી તેમનું જીવનમાર્ગ બદલાઈ ગયું. અશોક પટેલે જણાવ્યું કે “આજના દિવસે જો હું કંઈ છું, તો એ ગાંધીજી અને મારા પિતાના સંસ્કારોનું ફળ છે.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “એક પેડ મા કે નામ” અભિયાનથી પ્રેરાઈને અશોક પટેલે પોતાના 72મા જન્મદિવસે એક અનોખો સંકલ્પ લીધો — ભારતમાં 7200 અને અમેરિકામાં 7200 વૃક્ષો વાવવાનો. આ સાથે તેમણે વિદેશી વસ્તુઓનો ત્યાગ કરીને સ્વદેશી ઉત્પાદનના પ્રચાર માટે પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
આ પ્રસંગે તેમણે ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ની 72 નકલોના વિતરણ દ્વારા ગાંધી વિચારોને વધુ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો. સાથે સાથે સાબરમતી આશ્રમ ખાતે રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક યુવકોએ ભાગ લીધો.
ગોકળપુરા ગામના નાગરિકોને જીવનઉપયોગી ચીજવસ્તુઓનું વિતરણ કરી અશોક પટેલે પોતાના પિતાના સ્વપ્નને જીવંત રાખ્યું. આ કાર્યક્રમમાં સુરેન્દ્ર બક્ષી, નિમિશ શાહ, જલદીપ ઠાકર અને મેહુલ પટેલને સમાજહિતના કાર્યો માટે સન્માનિત કરવામાં આવ્યા.
કાર્યક્રમના અંતે બાળકો દ્વારા ગાંધીજીના વિચારો પર આધારિત નાટ્યરૂપ પ્રસ્તુતિ રજૂ થઈ, જે દર્શકોને ભાવવિભોર કરી ગઈ. કસ્તુરબા ગાંધી કેળવણી ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓ, આમંત્રિત મિત્રો અને સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા.
આ પ્રસંગ માત્ર જન્મદિવસની ઉજવણી નહોતો, પરંતુ તે સત્ય, અહિંસા, સ્વદેશી અને સેવાના મૂલ્યોને ફરી જીવંત કરતો એક પવિત્ર સંકલ્પ સમાન પ્રસંગ બની રહ્યો.