વિજાપુર-હિંમતનગર હાઇવે પર દેરોલ બ્રિજ નાના વાહનો માટે ફરી શરૂ: વાહનચાલકોમાં ખુશીની લહેર
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર-હિંમતનગર સ્ટેટ હાઈવે પર સાબરમતી નદી પર આવેલો અને જર્જરિત હાલતને કારણે થોડા મહિનાઓ અગાઉ તમામ પ્રકારના વાહનો માટે બંધ કરાયેલો મહત્વનો દેરોલ બ્રિજ આખરે ફરી એકવાર નાના વાહનોની અવરજવર માટે શરૂ કરી દેવામાં આવ્યો છે. વહીવટી તંત્રના આ નિર્ણયથી સ્થાનિક નાના વાહનચાલકો અને મુસાફરોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.જર્જરિત હાલતને કારણે બ્રિજ બંધ થતાં હજારો લોકોને લાંબા વૈકલ્પિક રસ્તેથી ફરીને જવાની ફરજ પડતી હતી, જેના કારણે કિંમતી સમય અને ઇંધણનો ભારે વ્યય થતો હતો. ખાસ કરીને વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને ખેડૂતોને સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.બ્રિજ બંધ થયા બાદ સ્થાનિકો અને વાહનચાલકો દ્વારા તેને ફરી શરૂ કરવાની સતત માંગણી કરવામાં આવી રહી હતી. આ માંગણીઓને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા બ્રિજની મરામત અને લોડ ટેસ્ટિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. હાલ પૂરતો વહીવટી તંત્રએ માત્ર ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર જેવા નાના વાહનો માટે બ્રિજ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.નાના વાહનો માટે બ્રિજ ફરી શરૂ થતાં, સ્થાનિક લોકોને હવે લાંબા અંતરનો ફેરો નહીં કરવો પડે. હિંમતનગર અને વિજાપુર વચ્ચે રોજીંદો પ્રવાસ કરતા લોકોને આનાથી મોટી રાહત મળી છે.જોકે, રાહતની સાથે સાથે સ્થાનિકોમાં એક માંગણી પણ પ્રબળ બની છે. હાલ પૂરતો ભારે વાહનો માટે આ બ્રિજ પર પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે, જેના પગલે વહેલી તકે નવો અને મજબૂત બ્રિજ બનાવવામાં આવે તેવી માંગણી પણ સ્થાનિકો કરી રહ્યા છે. વહીવટી તંત્રએ જણાવ્યું છે કે બ્રિજની સ્થિતિ પર સતત દેખરેખ રાખવામાં આવશે.