GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લાની કુપોષણથી સુપોષણ સુધીની સફર: છેલ્લા ૬ માસમાં ૨૪૨ બાળકો રેડ ઝોનમાંથી ગ્રીન ઝોનમાં લાવ્યા…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

*એપ્રિલ-૨૫માં કુપોષિત બાળકોની સંખ્યા ૧૧૦૦ હતી જે સપ્ટેમ્બર-૨૫માં ઘટીને ૮૫૮ થઇ*

*બાળકોના પોષણમાં યશોદામાતાનુ બિરૂદ પામેલા આંગણવાડી વર્કર્સનો પણ મહત્વનો ભાગ*

*સરકારશ્રી દ્વારા પોષણની પહેલો અમલી કરવાને કારણે નવસારી જિલ્લાના બાળકોમાં ઓછું વજન, સ્ટંટિંગ (ઓછી હાઇટ) અને શારીરિક દુર્બળતા જેવા પડકારોમાં નોંધપાત્ર હકારાત્મક સુધારો જોવા મળ્યો છે.-પ્રોગ્રામ ઓફિસર કોમલબેન ઠાકોર*

*બાળકોને ગમ્મત સાથે જ્ઞાન અને પોષણ મળે તે અર્થે આંગણવાડીમાં નિયમિત મોકલવા જાહેર અપીલ કરતા પ્રોગ્રામ ઓફિસર કોમલબેન ઠાકોર*

ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ૦૭ ઓક્ટોબર, ૨૦૦૧ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેમની જનસેવાના ૨૪ વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા જનજનમાં ઉજાગર કરવા માટે રાજ્યમાં ૦૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. વિકાસ સપ્તાહ અંતર્ગત ૦૯ ઓક્ટોબરનો દિવસ પોષણ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. છેલ્લા ૨૪ વર્ષો દરમિયાન ગુજરાતમાં પોષણનું સ્તર સુધારવા માટે અનેક યોજનાઓ અમલી બનાવવામાં આવી છે.

નવસારી જિલ્લા આઇસીડીએસ વિભાગ પણ આ તરફ સતત કાર્યરત છે. આઇસીડીએસ વિભાગ દ્વારા સગર્ભા માતાઓ અને ધાત્રી માતાઓ તેમજ તેમના બાળકોને પૂરતું પોષણ અને આહાર મળે તે માટે સંનિષ્ઠ પ્રયાસો હાથ ધરાયા છે. આ પ્રયાસોની સફળતા અત્રે ઉપલબ્ધ આંક ઉપરથી મેળવી શકાય છે.

<span;>નવસારી જિલ્લામાં એપ્રિલ-૨૦૨૫માં કુપોષિત બાળકોની સંખ્યા ૧૧૦૦ હતી જે સપ્ટેમ્બર – ૨૦૨૫માં કુપોષિત બાળકોની સંખ્યા ઘટીને ૮૫૮ થઇ છે. એટલે કે કુલ – ૨૪૨ બાળકો રેડ ઝોનમાંથી બહાર લાવવામાં સફળતા મળી છે.

વિગતવાર જોઇએ તો, નવસારી જિલ્લાના છેલ્લા ૦૬ માસના આંકડાઓ પ્રમાણે ICDS એટલે કે, ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસિસ (સંકલિત બાળવિકાસ સેવાઓ) હેઠળ પોષણ માટે ગુજરાત સરકાર સહિત નવસારી જિલ્લા આઇસીડીએસ વિભાગના વ્યાપક અને સઘન પ્રયાસોના પરિણામે એપ્રિલ-૨૦૨૫માં ઓછા વજનવાળા બાળકોનું પ્રમાણ ૧૪.૯૫% હતું, જે સપ્ટેમ્બર – ૨૦૨૫માં ઘટીને ૧૨.૯૧% થયું છે. તેમજ શારીરિક દુર્બળતા ૭.૨૯%થી ઘટીને ૪.૨૯% થઈ છે. ઉલ્લેખનીય છે કે, નવસારી જિલ્લાની તમામ પોષણ સંબંધિત યોજનાઓનો લાભ લગભગ ૫૦,૦૦૦થી વધુ મહિલાઓ અને બાળકો મેળવી રહ્યા છે.

નવસારી જિલ્લાના મિથિલાનગરી વિજલપોર-૦૫ આંગણવાડીના લાભાર્થી શ્રીમતી શીતલબેન રાકેશભાઇ તંડેલ પોતાના ૪.૫વર્ષના દિકરા લક્ષ્ય તંડેલને નિયમિત રૂપે આંગણવાડીમાં મોકલે છે. તેમણે પોતાનો અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે, મારા દિકરાનુ વજન જન્મથી જ ઓછુ હતું. આ અંગે આંગણવાડીના બહેનો દ્વારા મને અને મારા પરિવારને સમજ કેળવવામાં આવી હતી. તેઓના કહેવા મુજબ અમે મારા દિકરાને નિયમિત આંગણવાડીએ મોકલીએ છે જ્યા તે વ્યવસ્થીત નાસ્તો અને કસરતો, અન્ય એક્ટીવીટી કરે છે. અમને મળતા કીટમાંથી બનાવેલી વાનગી તેને આપુ છું જેથી મારા દિકરાનુ વજનમા પણ નોંધપાત્ર વધારો થયો છે.

નવસારી જિલ્લાના આ પ્રેરણાદાયક સફળતા અંગે વધુ જાણકારી આપતા પ્રોગ્રામ ઓફિસરશ્રી કોમલબેન ઠાકોરએ જણાવ્યું હતું કે, ગમ્મત સાથે જ્ઞાન અને પોષણ મળે તેવા ઉદેશ્યથી નવસારી જિલ્લામાં આંગણવાડીઓમાં વિવિધ એક્ટીવીટીઝ કરાવવામાં આવે છે. નિયમિત રીતે રાબ અને અન્ય ગરમ નાસ્તાઓ આપવામાં આવે છે. માતા અને બાળક બન્ને તંદુરસ્ત રહે તે માટે પોષણ કિટ વિતરણ કરવામાં આવે છે. આ સાથે મમતા દિવસે જરૂરી કાઉન્સીલીંગ પણ કરવામાં આવે છે. જોખમી માતાઓ ઉપર વિશેષ કાળજી લેવામાં આવે છે જેથી તેઓ પોતે સ્વસ્થ રહેવા સાથે સાથે આવનાર બાળક પણ સ્વસ્થ જન્મલે તેવા પ્રયાસો સક્રિય રીતે કરવામાં આવે છે.

વધુમાં તેમણે ઉમેર્યું કે, એપ્રિલ-૨૦૨૫માં કુપોષિત બાળકોની સંખ્યા ૧૧૦૦ હતી જે સપ્ટેમ્બર – ૨૦૨૫માં કુપોષિત બાળકોની સંખ્યા ઘટીને ૮૫૮ થઇ છે. એટલે કે કુલ – ૨૪૨ બાળકો રેડ ઝોનમાંથી બહાર લાવવામાં સફળતા મળી છે. જેમા સિંહફાળો આંગણવાડી વર્કર બહેનો અને વાલીઓનો છે. તેમણે એવા વાલીઓ જેમણે આંગણવાડીના કાઉન્સીલીંગ બાદ નિયમિત બાળકોને ટીએચઆર, શાકભાજી અને ફળો આપ્યા  અને જેના કારણે બાળકો સુપોષિત બન્યા છે તેઓને અભિનંદન પાઠવી અન્ય વાલીઓને પ્રેરણા લેવા અપીલ કરી હતી.

પ્રોગ્રામ ઓફિસર અંતે તમામ વાલીઓને પોતાના બાળકોને ગમ્મત સાથે જ્ઞાન અને પોષણ મળે તે અર્થે આંગણવાડીમાં નિયમિત મોકલવા જાહેર અપીલ કરી હતી.

આજે વડાપ્રધાન તરીકેના ‘સહી પોષણ, દેશ રોશન’ના મંત્રને સાકાર કરવાની દિશામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની પોષણ સંબંધિત પહેલોના સકારાત્મક પરિણામો હવે સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે. પોષણની પહેલો અમલી કરવાને કારણે નવસારી જિલ્લા સહિત રાજ્યના બાળકોમાં ઓછું વજન, સ્ટંટિંગ (ઓછી હાઇટ) અને શારીરિક દુર્બળતા જેવા પડકારોમાં નોંધપાત્ર હકારાત્મક સુધારો જોવા મળ્યો છે.

Back to top button
error: Content is protected !!