નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાનેથી બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાયો..
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
{રાજ્ય સરકારના કૃષિ મહોત્સવના પરિણામે કૃષિ ઉત્પાદન અનેકગણુ વધ્યું છેઃ} – જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈ
ખેડૂતોને ખેતીવાડીની વિવિધ યોજનાના મંજૂરીપત્રો તેમજ સહાયના વિતરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું
કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર ના સંકલ્પ સાથે વિકાસ સપ્તાહ અંતર્ગત રવિ કૃષિ મહોત્સવ -૨૦૨૫ નો સમગ્ર રાજ્યમાં શુભારંભ કરવામાં આવ્યો છે.જેના અનુસંધાને નવસારી જિલ્લામાં જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને થી નવસારી જિલ્લા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ ચીખલી તાલુકાના સુરખાઈ ગામના ઢોડિયા સમાજની વાડી ખાતેથી કરાયો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે,વર્ષ ૨૦૦૫ થી સમગ્ર રાજ્યમાં શરૂ થયેલ આ મહોત્સવનો બે દાયકા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા છે.વધુમાં તેમણે ઉમેરતા જણાવ્યું હતું કે, આપણો દેશ કૃષિપ્રધાન દેશ ગણવામાં આવે છે.આપણને તો કૃષિ એ વારસામાં મળેલ વ્યવસાય છે.
કૃષિ સુધારણાના અનેકવિધ પગલાં રાજ્ય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યા છે.રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત દ્વારા પણ રાજ્ય પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે પ્રગતિ હાંસલ થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારે તથા રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિને પણ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. પ્રાકૃતિક ખેતી પાકોની પરંપરાગત ખેતી ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં થાય છે ત્યારે આપણા નવસારી જિલ્લાના ખેડૂતો પણ પ્રાકૃતિક પાકોને પ્રાધાન્ય આપી આગળ વધે અને નાગરિકો પોતાના ખોરાકમાં રોજીંદો ઉપયોગ કરી પોતાનું જીવન નિરોગી બનાવે તેવી અપીલ પણ કરી હતી.
રાજ્ય સરકારના કૃષિ સહકાર મંત્રીશ્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં પંચમહાલ ના છબલપૂર ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના રવી કૃષિ મહોત્સવનું જીવંત પ્રસારણ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું.
રવી કૃષિ મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ સ્થળે કૃષિ ક્રાંતિને પ્રેરિત કરતા વિવિધ સ્ટોલ્સ ઊભા કરી નિદર્શન કરવામાં આવ્યું હતું. બે દિવસ સુધી ચાલનારા આ સ્ટોલ પ્રદર્શનીની પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ખેડૂતોએ મુલાકાત કરી હતી. જેમાં પ્રાકૃતિક અને પરંપરાગત કૃષિના ઉપયોગ, તેના પોષકગુણો, પાક ઉત્પાદન, જમીનની ગુણવત્તામાં વધારો, આવકમાં વધારો, ખર્ચમાં ઘટાડો જેવી બાબતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા.
જિલ્લામાં પરંપરાગત ખેતી અને મિલેટ્સના ઉપયોગ અંગે લોકજાગૃતિ આણવાનુ કાર્ય થઈ રહ્યું છે ત્યારે અહીં મિલેટ્સમાંથી બનતી વાનગીઓનો પણ સંકલિત બાળવિકાસ યોજના અંતર્ગત આંગણવાડીના બહેનો દ્વારા સ્ટોલ પ્રદર્શન થકી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.
જિલ્લા ખેતીવાડી વિભાગને લગતી પીએમ કિસાન યોજના સહિત તમામ યોજનાકીય માહિતી અને લાભો, ઇકેવાયસી, લેન્ડ સીડીંગની કામગીરી સહિત બેનર, પેમ્પલેટ્સ તથા સાહિત્ય વિતરણ દ્વારા ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના આયામો બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત સહિતની ખેતી પદ્ધતિથી પણ વાકેફ કરવામાં આવ્યા હતાં.આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ખેડૂતમિત્રોને યોજનાકીય લાભો અંગેના હુકમ એનાયત કરવામાં આવ્યા હતો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા , ચીખલી પ્રાંત અધિકારીશ્રી મિતેશ પટેલ , ગણદેવી તાલુકા વિકાસ અધિકારીશ્રી ચેતન દેસાઇ , ચીખલી તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાકેશ પટેલ , સયુંકત પ્રાદેશિક ખેતીવાડી નિયામકશ્રી કે.વી .પટેલ , નવસારી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો તેમજ પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા