આમ આદમી પાર્ટીના પ્રદેશ સહમંત્રી દિનેશ બારીયા એ રોડ રસ્તાઓ ને લઈ ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર દ્વારા રજૂઆત.

તારીખ ૧૭/૧૦/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા દિનેશ બારીઆએ આજ રોજ રાજ્યના મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો છે અને તેમાં જણાવ્યું છે કે, સરકાર સો કામ પડતાં મૂકીને રાજ્યના રોડ રસ્તા સુધારવાનું કામ કરે. દિનેશ બારીઆએ વધુ જણાવતા કહ્યું છે કે, આજે ભાજપ સરકાર બધી બાજુએથી ઘેરાઈ છે. માનો યા ના માનો પણ રાજ્યમાં ભાજપ સરકારનો ગ્રાફ નીચે જઇ રહ્યો છે તેનું કારણ બીજું કંઈ નહીં પણ ખુદ ભાજપનું અને સરકારનું વલણ છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કથળી ગયું જોવા મળે છે, ખેડૂતોના મુદ્દા વિરોધ પક્ષ ઉઠાવવામાં સફળ બન્યા છે અને જો ગુજરાતની સાત કરોડ જનતાને વધારે અસર કરતો કોઈ મુદ્દો હોય તો રોડ રસ્તા ની હાલતનો છે. આજે આખા રાજ્યમાં તમામ રસ્તાઓ પર મોટા મોટા ખાડા પડી ગયા છે જેના કારણે કરોડો લોકો પરેશાની નો ભોગ બની રહ્યા છે. ખરાબ રસ્તા હોવાના કારણે વાહનોને નુક્સાન થાય છે, સમય વધારે જાય છે તથા લોકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ઉપર ભારે અસર પડે છે. જો સરકારે પોતાની શાખ બચાવવી હોય તો સો કામ પડતાં મૂકીને રાજ્યના રોડ રસ્તા સુધારવાનું પહેલું તથા ઝડપી કામ કરવું પડે. બાકી ગમે તેવા અને તેટલા ઉત્સવ અને મહોત્સવ કરશો તો પણ તેની કોઈ અસર લોકો ઉપર પડવાની નથી. કરોડો લોકો દરરોજ રોડ ઉપર થી પસાર થાય છે તેમની મુસાફરીમાં પડતી અગવડ નું દુઃખ આજે સૌથી મોટું છે. આ સમસ્યા સૌને અસર કરે છે આ વાત સરકાર જેટલી વહેલી સમજી લે તેટલું સારું રહેશે તેમ જણાવ્યું હતું અને રોડ રસ્તા સુધારવાની રજૂઆત કરી છે.






