અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં દિવાળી પહેલા ખેડૂતોને લૂંટતા ખાતર વિક્રેતાઓ.!! યુરિયા ખાતર સાથે અન્ય ખાતર લેવા મજબુર કરી રહ્યા છે વિક્રેતાઓ
દીવાળીના તહેવાર દરમિયાન ખેડૂતોને ખાતર મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોના આક્ષેપ મુજબ, કેટલાક ખાતર વિક્રેતાઓ ખેડૂતોને યુરિયા ખાતર આપતી વખતે અન્ય ખાતર લેવાની ફરજ પાડી રહ્યા છે.મેઘરજ તાલુકામાં વિવિધ વિસ્તારોમાં દુકાનદારો 5 યુરિયા બેગ સામે 5 કિલો ઈફકોનું અન્ય ખાતર ફરજીયાત આપતા હોવાનું સામે આવ્યું છે. કેટલાક વિક્રેતાઓ તો 2 બેગ યુરિયા સામે 1 કિલો અન્ય ખાતર લેવાનું દબાણ કરી રહ્યા છે.ખેડૂતો જણાવે છે કે 650 રૂપિયાના દરે 5 કિલો વધારાનું ખાતર લેવા માટે તેમને મજબૂર કરવામાં આવી રહ્યા છે. આ બાબતે ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરતા જાણવા મળ્યું કે એવો કોઈ નિયમ નથી અને વિક્રેતાઓ મનમાની કરી રહ્યા છે.અરવલ્લી જિલ્લાના અનેક એગ્રો ડીલર તેમજ સસ્તા અનાજના દુકાનદારો દ્વારા ખેડૂતોને લૂંટવાની ફરિયાદો વધવા લાગી છે.ત્યારે એક એગ્રો વિક્રેતાએ ઉચ્ચ અધિકારીઓની ચેતવણી બાદ અન્ય ખાતર લીધા વગર જ ખેડૂતોને યુરિયા ખાતર આપવાનું શરૂ કર્યું.ખેડૂતો માંગ કરી રહ્યા છે કે આવા વિક્રેતાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં ખેડૂતો સાથે અન્યાય ન થાય.