GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

પુરવઠા વિભાગની વિવિધ કામગીરીઓની સમીક્ષા કરતા જીલ્લા કલેકટર

તા.18/10/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

પુરવઠા વિભાગની વિવિધ કામગીરીઓની સમીક્ષા કરતા જીલ્લા કલેકટર, સુરેન્દ્રનગર જિલ્લામાં કલેકટર ડો. રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક ઢાંકી પમ્પિંગ સ્ટેશન ખાતે યોજાઈ હતી જેમાં વાજબી ભાવની દુકાનોના સ્થળ ફેરફાર, વાજબી ભાવની દુકાનો દ્વારા થતા અનાજ વિતરણ સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા સમાહર્તા રાજેન્દ્રકુમાર પટેલે દિવાળીના તહેવારોમાં બધાને અનાજ અને પુરવઠો સમયસર અને પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું તેમજ પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી તહેવારો નિમિતે લોકોનું આરોગ્ય જોખમાઈ નહીં તે માટે ફૂડની વધુમાં વધુ ચકાસણી કરવા તાકીદ કરી હતી આ તકે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ નાગરિકોમાં ભેળસેળ, ગ્રાહક જાગૃતિ માટે વધુમાં વધુ કાર્યક્રમો, કેમ્પ કરી જાગૃતતા માટે પ્રયાસો કરવા સૂચવ્યું હતું તેમજ વેપારીઓને પણ ખાદ્ય પદાર્થોમાં કોઈપણ જાતની ભેળસેળ ન કરે તે માટે સમજૂત કરવા પ્રયાસો કરવા તાકીદ કરી હતી જિલ્લા પુરવઠા અધિકારી એ. જી. ગજ્જરે જિલ્લામાં કાર્યરત વાજબી ભાવની દુકાનો માટેની સંખ્યા તથા પસંદગી બાબત, વાજબી ભાવની દુકાનના સ્થળ ફેરફાર બાબત, વાજબી ભાવની દુકાનોની યોજનાના અમલ અને આવશ્યક ચીજ વસ્તુઓ અને નાગરિક પુરવઠાની વહેંચણી વગેરેની બાબતો, હાલ જિલ્લાને મળતો જથ્થો, વિતરણ થયેલો જથ્થો, કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા થયેલી કાર્યવાહી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી વિશે વિસ્તૃત જાણકારી પૂરી પાડી હતી હાલ જિલ્લામાં કુલ ૫૩૬ વાજબી ભાવની દુકાનો કાર્યરત છે જે પૈકી ૪૫ જેટલી દુકાનો હાલ ચાર્જમાં છે NFSA ૨,૫૫,૩૯૫ કાર્ડ અને NON NFSA ૯૯,૪૬૨ કાર્ડ નોંધાયેલા છે ગત માસમાં કાનૂની માપ વિજ્ઞાનની કચેરી દ્વારા ૪૧ જેટલા પેટ્રોલ પંપ, ગેસ એજન્સીની સંખ્યા ૦૮ સામે તપાસ કરવામાં આવી છે સસ્તા અનાજની ૧૯ દુકાનો તેમજ અન્ય ૫૭૭ વેપારી/ફેરિયાઓ સામે તપાસ કરવામાં આવી છે જેમાં ૧૧ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે પૈકી કાયદેસરની કાર્યવાહી કરી ગુન્હા માંડવાળ પેટે રૂ.૬,૫૦૦ તેમજ ચકાસણી અને મુંદ્રકન પેટે રૂ.૫,૧૭,૮૭૦ ફી વસુલ કરવામાં આવી હતી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ગત માસમાં ૬૮ જેટલા નમુનાઓ લેવામાં આવ્યા હતા ૨૭ જેટલા ખાદ્ય નમુનાઓની ચકાસણી કરવામાં આવી હતી ફૂડ સેફ્ટીની કામગીરી દરમિયાન ૪૫ જેટલાં ઇન્ફોર્મલ નમુના લેવામાં આવ્યા હતા ૮૪ જેટલા રજિસ્ટ્રેશન અને લાયસન્સ ખાદ્ય પરવાના આપવામાં આવ્યા છે તેમજ હોટેલ, રેસ્ટોરન્ટ, મીઠાઈ ફરસાણની દુકાન, પાણીની લારી, અનાજ કરિયાણાની પેઢી અન્ય સ્થળ સહિત ૬૦ જેટલા સ્થળોએ મુલાકાત કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિક, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું, નિવાસી અધિક કલેકટર આર. કે. ઓઝા, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિના સભ્યઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!