HIMATNAGARSABARKANTHA

પ્રાંતિજના મજરામાં હિંસક જૂથ અથડામણ થતા ૭ થી ૮ લોકોને ઈજા અને ૧૦૦ જેટલા વાહનને નુકસાન પહોંચ્યું

હિંસા ફેલાવનારા ૨૫ થી ૩૦ જેટલા લોકોને રાઉન્ડ અપ (અટકાયત) કરવામાં આવ્યા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ગામે શુક્રવારે રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. ગામના મંદિરને લઈને થયેલી તકરાર ઉગ્ર બનતાં સામસામે પથ્થરમારો થયો હતો, જેમાં ૭ થી ૮ લોકોને ઈજા પહોંચી હતી. આ અથડામણમાં કુલ ૧૦૦ જેટલા વાહનને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે કેટલાંક ઘરોનાં બારી-બારણાંના કાચ સહિત અન્ય વસ્તુઓને પણ નુકસાન થયું છે. એક કારને સળગાવી દેવાની ઘટના પણ સામે આવી છે.

દિવાળીના ગરબાના આયોજન પૂર્વે હિંસા

પ્રાંતિજ તાલુકાના મજરા ગામે શુક્રવારની રાત્રે બે જૂથ વચ્ચે થયેલી હિંસક અથડામણનો મામલો વધુ સ્પષ્ટ થયો છે

ગામમાં આવેલા ભૈરવ મંદિરના વહીવટની જૂની અદાવત અને સરપંચને લગતા વિવાદોમાંથી આ ઘર્ષણ સર્જાયું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. દિવાળીના તહેવારને લઈને ત્રણ દિવસ માટે મંદિરના ચોકમાં ગરબાનું આયોજન થવાનું હતું, પરંતુ એ પૂર્વે જ ગામમાં બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ભારે જૂથ અથડામણ થઈ હતી.

૨૫ થી ૩૦ લોકોની અટકાયત

ઘટનાની જાણ થતાં જ મોડીરાત્રે એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. આ અંગે હિંમતનગરના ડી.વાય.એસ.પી એ.કે.પટેલે માહિતી આપતાં જણાવ્યું હતું કે હિંસા ફેલાવનારા ૨૫ થી ૩૦ જેટલા લોકોને રાઉન્ડ અપ (અટકાયત) કરવામાં આવ્યા છે. હાલમાં મજરા ગામમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે પોલીસનો મોટો કાફલો તહેનાત કરવામાં આવ્યો છે અને સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે. પોલીસે બંને જૂથ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે

અથડામણમાં ૮ લોકો ઈજાગ્રસ્ત, મોટે પાયે નુકસાન

બે જૂથ સામસામે આવી જતાં પહેલાં ઉગ્ર બોલાચાલી થઈ હતી એ બાદ પરિસ્થિતિ વણસી ગઈ હતી. અસામાજિક તત્ત્વોએ લાકડીઓ વડે માર માર્યો હતો, ત્યાર બાદ ભારે પથ્થરમારો કર્યો હતો અને અનેક વાહનોમાં આગચંપી અને તોડફોડ કરી હતી.

(૧)આ અથડામણમાં કુલ ૮ જેટલા લોકોને ઈજા પહોંચી છે જેમાંથી ૩ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હિંમતનગરની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.

(૨)હિંસામાં ૨૬ કાર,૫૦ થી વધુ બાઈક, ૬ ટેમ્પો અને ૩ ટ્રેક્ટરમાં નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.

(૩)અસામાજિક તત્ત્વોએ ૧૦ જેટલાં મકાનને પણ નુકસાન પહોંચાડ્યું હતું.

(૪)વાહનોમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચવું પડ્યું હતું.

દિવાળીને લઈ બબાલ થઈને આ લોકોએ મોટું સ્વરૂપ આપી દીધું

ગ્રામપંચાયતના સદસ્ય જગદીશ પટેલે જણાવ્યું હતું કે ચાર દિવસ પહેલાં પણ નાનું છમકલું થયું હતું બે દિવસ પહેલાં પણ થયું,જોકે અમે એને ગંભીરતાથી લીધું ન હતું, જોકે કાલ રાત્રે નવ વાગ્યા પછી મોટી બબાલ થઈ હતી. એ લોકોએ પટેલોના ઘરે જઈ જઈને તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું દિવાળીને લઈને જ બબાલ થઈ અને આ લોકોએ મોટું સ્વરૂપ આપી દીધું.

આખા ગામમાં જેટલા પણ પટેલોનાં ઘર છે ત્યાં નુકસાન પહોંચાડ્યું’

પ્રાંતિજના મજરા ગામે થયેલી જૂથ અથડામણ અંગે ગામના રાકેશ પટેલે જણાવ્યું હતું કે એ લોકો વાઘબારસની આરતી કરી પટેલોના ઘરે ગયા અને સીધા નુકસાન કરવા જ માંડ્યા હતા જ્યાં જારના ગઠ્ઠામાં આગચાંપી અને પથ્થરમારો પણ કર્યો હતો. આખા ગામની અંદર ૨૦૦-૨૫૦ જેટલા પટેલોનાં ઘર છે ત્યાં નુકસાન પહોંચાડ્યું છે. એક વીડિયોમાં અમે જોયું કે સરપંચની માતા પણ એ લોકો સાથે હતા.

ભૈરવદાદાના મંદિરના વહીવટને લઈ બોલાચાલી

આ ઘટનાનું કારણ જણાવતાં તેમણે કહ્યું હતું કે આ ભૈરવ દાદાના મંદિરનો વહીવટ તેમને આપ્યો ત્યારથી આ સમસ્યા છે. પહેલા મંદિરનો વહીવટ પટેલોના હાથે થતો હતો પણ ગઈ સાલ એ લોકોએ થોડો વિવાદ કરીને ચાવી લઈ લીધી હતી એટલે પટેલોએ આપી દીધી અને એ વખત કોઈ વિવાદ થયેલો નહીં એ પછી આ લોકોને પૈસાની તૂટ પડે છે પણ પટેલો પૈસા ના આપે એટલે પ્રસંગ તૂટી પડે છે આ લોકોને પૈસા જોઈએ છે અને પટેલો આપતા નથી એટલે પૈસા લેવા માટે આ લોકોએ પટેલોને ટાર્ગેટ બનાવ્યા છે દિવાળીમાં બે દિવસ ગરબા થાય છે, પણ ગઈ સાલથી પટેલો ત્યાં ગરબા ગાવા પણ જતા નથી.

પહેલાં એ લોકોએ પથ્થરમારો કર્યો ને પછી આગ લગાવી

શુક્રવારે સાડાનવ વાગે આરતી પતાવી અને સીધા પટેલોને ટાર્ગેટ બનાવીને ઠોકવાનું ચાલુ કર્યું. પટેલો તો મંદિરે હતો પણ નહીં, બધા પોતપોતાનાં ઘરે હતા જ્યાં જઈને સૌથી પહેલા એ લોકોએ પથ્થરમારો શરૂ કરી દીધો અને પછી આગ લગાવી.

રાકેશ પટેલ વધુમાં જણાવે છે કે એ લોકોએ ગાડીઓ તોડી, મકાનોના કાચ ફોડી નાખ્યા. હાલ તો આ વાહનોમાં ખાસ્સું નુકસાન થયું છે. પેલી બાજુ પાછળના ભાગમાંય વાહનો તોડ્યા છે. આમ તો એક જ ગાડી સળગાવી છે, પણ નુકસાન બહુ પહોંચાડ્યું છે. બીજું તો તેમણે કેટલી ગાડીઓ તોડી એતો હજી અંદાજ આવે પછી જ ખબર પડે.

એક પક્ષે ૬૦ થી વધુ લોકો સામે ફરિયાદ કરી

પ્રાંતિજ તાલુકાના મજરા ગામે રવિવારે રાત્રે બે જૂથ વચ્ચે થયેલી હિંસક અથડામણના મામલામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. ગામના પટેલ સમાજના જૂથે સરપંચના પરિવાર અને ઠાકોર સમાજના ૬૦ થી વધુ લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે, જેમાં એક ઈકો ગાડીને સળગાવી દેવા સહિત લાખો રૂપિયાના નુકસાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પ્રેમલગ્ન અને મંદિર વહીવટની જૂની અદાવત

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, હિંસાનું મુખ્ય કારણ ભૈરવદાદાના મંદિરનો વહીવટ છેલ્લા એક વર્ષથી ઠાકોર સમાજે લઈ લીધો છે. આ ઉપરાંત ઠાકોર સમાજના જગતસિંહ ડાયુસિંહ મકવાણાએ વર્ષો પહેલા કરેલા પ્રેમલગ્નને કારણે પટેલ સમાજ સાથે તેમને થયેલા સામાજિક વિચ્છેદ અને હાલમાં જગતસિંહની પુત્રી શ્વેતાબા સરપંચ તરીકે ચૂંટાતાં સર્જાયેલા સંજોગો પણ અદાવતનું કારણ છે.

આરતી બાદ હિંસક હુમલો

શુક્રવારે રાત્રે ૧૦ વાગ્યા આસપાસ ભૈરવદાદાના મંદિરની આરતી શરૂ થયા બાદ સવા દસ વાગ્યે પ્રભાતસિંહ જેસંગજી અને જગતસિંહ ઉર્ફે જે.ડી.મકવાણા સહિત ૧૧૦ થી ૧૨૦ લોકોનું ટોળું લાકડીઓ,ધારિયાં અને લોખંડની ટોમી જેવાં હથિયારો સાથે પટેલ સમાજના ફળિયા તરફ ધસી આવ્યું હતું.

ફરિયાદ મુજબ, ટોળાએ “આ પટેલોને તો આજે મારી નાખવાના છે” એવી બૂમો પાડીને છુટ્ટો પથ્થરમારો શરૂ કર્યો હતો, જેના કારણે ઘરોનાં બારી-દરવાજા અને કાચને નુકસાન થયું હતું.

હત્યાની કોશિશ અને આગચંપીના ગંભીર આક્ષેપો કરાયા

મારામારી હુમલામાં સૂર્યકાન્ત પટેલ, જગદીશ પટેલ,કીર્તિ પટેલ,શનિ પટેલ, અંકિત પટેલ અને શર્મિષ્ઠા પટેલ સહિત ૧૦ લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી.

આરોપી જગજીતસિંહ જગતસિંહ મકવાણાએ બેઝ બોલના દંડા વડે સૂર્યકાન્તભાઈ પટેલને માથાના ભાગે અને યુવરાજસિંહ બળવંતસિંહે કીર્તિ પટેલને માથામાં પાઈપ મારીને જાનથી મારી નાખવાના ઈરાદે ગંભીર ઈજાઓ પહોંચાડ્યાનો આક્ષેપ છે.

ટોળામાંથી કોઈ માણસોએ ઘાસ ભરેલી ઈકો ગાડી જીજે.૦૯.બીસી. ૭૩૧૪ ને આગ લગાડી દીધી હતી, જેનાથી આશરે ૩ લાખનું નુકસાન થયું છે.

ટોળાએ “આજ પછી કોઈ દિવસ ઠાકોરોની સામે પડશો તો કોઈને પણ જીવતા જવા દઈશું નહિ એવી ધમકીઓ આપી હોવાનું પણ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.

પોલીસે મોડીરાત્રે ડી.વાય.એસ.પી એ.કે.પટેલની આગેવાનીમાં ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી અને ૨૫ થી ૩૦ જેટલા શખસોને રાઉન્ડ અપ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મેહુલ પટેલ

સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!