વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
વિસનગર મેડીક્લ કોલેજમાં 12 ગરીબ વિદ્યાર્થીઓના ખાતામાં સ્કોલરશીપની સરકારી ફી જમા નહીં થતાં કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને નોટિસ આપી તા.30/9/2025 થી ફી ન જમા થાય ત્યાં સુધી અભ્યાસ સ્થગિત કરાવી દેવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓનો ક્લાસમાં પ્રવેશ નિષેધ કરી દેવામાં આવ્યો હતો.આ બાબતે સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો.પ્રદીપભાઈ ગરાસિયા પાસે મદદની વિનંતી આવતા તેમણે મહામંત્રી કમલેશભાઈ તબિયાડને જાણ કરી ઘટતી કાર્યવાહી કરી વિદ્યાર્થીનું ભવિષ્ય નહીં બગડે તે જોવા જણાવ્યું હતું.આથી કમલેશભાઈ તબિયાડ અને અન્ય સામાજિક આગેવાનોએ સ્ટુડન્ટસ સાથે મળીને તબિબી શિક્ષણના નિયામક અને અગ્ર સચિવને રૂબરૂમાં મુલાકાત કરી રજૂઆત કરી હતી.તેના લીધે શિષ્યવૃતિ જમાં થઈ જતાં અટકેલો અભ્યાસ ચાલુ થઇ જતાં દિવાળીના તહેવારોમાં ગરીબ વિદ્યાર્થીઓ અને એમના પરિવારજનોમાં આનંદની લાગણીઓ વ્યાપી ગઈ હતી.આ બાબતે મીડિયા સાથેની વાતચીતમાં પ્રમુખશ્રી ડો.ગરાસિયાએ જણાવ્યું હતું કે અત્યારસુધીમાં સમસ્ત આદિવાસી સમાજ દ્વારા શિક્ષણ ક્ષેત્રે અનેક કામગીરીઓ કરી છે અને 48 લાખ કરતા વધુ રૂપિયા ખર્ચી 450 કરતા વધુ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે સ્કોલરશીપ આપી છે અને હજુપણ અમે સતત પ્રયત્નશીલ રહી લોકફાળાથી વધુને વધુ વિદ્યાર્થીઓને મદદરૂપ થઇ શકાય એ દિશામાં આગળ વધતા રહી,શિક્ષણ ક્ષેત્રે સમાજને એક નવી ઊંચાઈએ પહોંચાડીશું.