BHARUCHBHARUCH CITY / TALUKO
ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ: સ્મૃતિ દિન નિમિત્તે એસપી સહિતના અધિકારીઓએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી
સમીર પટેલ, ભરૂચ
આજે દેશભરમાંની જેમ ભરૂચમાં પણ પોલીસ સ્મૃતિ દિનની ઉજવણી કરવામાં આવી હતી.શહેરની કાળી તલાવડી ખાતે આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં શહિદ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.
આ અવસરે જિલ્લા પોલીસના અધિકારીઓ અને પોલીસકર્મીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.1959માં ચીની સૈનિકોએ તિબ્બત બોર્ડર પર કરેલા હુમલામાં શહીદ થયેલા ભારતીય પોલીસ જવાનોની યાદમાં દર વર્ષે 21 ઓક્ટોબરનાં દિવસે પોલીસ સ્મૃતિ દિન તરીકે મનાવવામાં આવે છે.
આ કાર્યક્રમ દરમ્યાન એસપીએ શહીદ જવાનોના નામો ઉચારીને તેમને શ્રદ્ધાંજલિ અપાઈ હતી.બાદમાં ગાર્ડ ઓફ ઓનર આપી શહીદોને માન અપાયું હતું.એસપી અક્ષયરાજ મકવાણા સાથે અધિકારીઓ તેમજ પોલીસ જવાનો દ્વારા શહીદ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.