NATIONAL

ઓનલાઈન ક્લાસિસનું પ્રમાણ અને સ્ક્રીન ટાઈમ વધતાં દેશના પાંચ કરોડ 10 થી 19 વર્ષના કિશોરો માનસિક બીમાર

નવી દિલ્હી : યુનિસેફના ચાઈલ્ડ એન્ડ એડોલસન્ટ મેન્ટલ હેલ્થ સર્વિસ મેપિંગ ઈન્ડિયા અને ગ્લોબલ બર્ડન ઓફ ડિસિસનો ચિંતાજનક અહેવાલ આવ્યો છે. ભારતમાં દર પાંચમા કિશોરમાં માનસિક બીમારીનું પ્રમાણ જોવા મળ્યું છે. ૨૫ કરોડમાંથી પાંચ કરોડ કિશોરોને કોઈને કોઈ માનસિક બીમારીની અસર થઈ છે. ડિપ્રેશન, ચિંતા, બૌદ્ધિક અક્ષમતા જેવી સમસ્યા આજના કિશોરોમાં ખૂબ ઝડપથી વધી રહી છે. શહેરી અને ગ્રામ્ય એમ બંનેમાં આ સમસ્યા સર્જાઈ છે.

એકલતા, વધતો જતો સ્ક્રીન ટાઈમ, વાયુ પ્રદૂષણ, ઘોંઘાટ, સ્પર્ધા, ઓનલાઈન ક્લાસિસ વગેરેના કારણે છેલ્લાં પાંચેક વર્ષમાં ભારતીય કિશોરોમાં ડિપ્રેશનનું પ્રમાણ વધ્યું છે. દેશમાં ૧૦થી ૧૯ વર્ષની વયના લગભગ ૨૫ કરોડ કિશોરો છે. એમાંથી પાંચ કરોડને જુદા જુદા કારણોથી કોઈને કોઈ માનસિક બીમારી છે. દેશના કિશોરોમાં વધતી જતી માનસિક બીમારીથી ભવિષ્યમાં સામાજિક, શૈક્ષણિક અને આર્થિક પ્રગતિને અસર થાય એવી શક્યતા છે.

રાષ્ટ્રીય માનસિક સ્વાસ્થ્ય સર્વેક્ષણ પ્રમાણે કિશોરોમાં માનસિક વિકારનો દર ૭.૩ ટકા જેટલો ઊંચો છે. છોકરીઓની સરખામણીએ છોકરાઓમાં એનું પ્રમાણ વધારે છે. છોકરાઓમાં માનસિક વિકારનો દર ૭.૫ છે, જ્યારે છોકરીઓમાં એ ૭.૧ છે. શહેરોમાં ૪૦ ટકા કિશોરોમાં સ્પર્ધાના કારણે ડિપ્રેશન વધ્યું છે. શહેરની શાળા-કોલેજોમાં એકબીજાથી આગળ નીકળી જવાની ગળાકાપ હરીફાઈ ચાલતી હોય છે. તેની સીધી અસર કિશોરોના માનસિક સ્વાસ્થ્ય પર પડે છે.

અહેવાલ પ્રમાણે કોરોના મહામારી પછી એકાએક કિશોરોના માનસિક સ્વાસ્થ્ય સામે ખતરો સર્જાયો છે. કોરોના પછી ઓનલાઈન ક્લાસિસનું પ્રમાણ વધ્યું ને કોરોના પછીય એ ટ્રેન્ડ આગળ વધ્યો, તેના પરિણામે બાળકોનો સ્ક્રીનટાઈમ બેહદ વધી ગયો. શહેરોની જેમ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા કિશોરોમાં પણ એમાંથી બાકાત નથી. ગ્રામ્ય વિસ્તારોના કિશોરોમાંથી ૨૧.૭ ટકામાં ડિપ્રેશન જોવા મળ્યું ને ૨૦.૫ ટકામાં ચિંતાનું પ્રમાણ ભયજનક રીતે વધ્યું. ૧૦થી ૧૯ વર્ષના કિશોર-કિશોરીનો સ્વભાવ ચીડિયો થઈ ગયાનું પણ નોંધાયું છે.

Back to top button
error: Content is protected !!