
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.
ભચાઉ,તા-૩૦ ઓક્ટોબર : યોજનાકીય લક્ષ્યાંક પૂર્ણ કરવા સાથે ગ્રામ વિકાસના કામોમાં બાંધકામની ગુણવત્તા જાળવવાનું જણાવતા મંત્રી.
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામીણ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ ભચાઉ ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા જિલ્લા ગ્રામ વિકાસ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને કામગીરીની સમીક્ષા સાથે સુધારાત્મક જરૂરી સૂચનો આપ્યા હતા. ભચાઉ ITI ખાતે આયોજિત બેઠકમાં કેબિનેટ મંત્રીશ્રીએ જિલ્લાની ૧૧ ITI ની શૈક્ષણિક કામગીરી અંગે માહિતી મેળવીને ચાલતા ટ્રેડ કોર્ષ, ખૂટતી સુવિધાઓ, મહેકમ તેમજ આગામી સમય તથા કચ્છની ઇન્ડસ્ટ્રીઝની જરૂરિયાતને અનુલક્ષીને યુવાનોને રોજગારીના સંદર્ભે નવી કૌશલ્ય તાલીમ આપવા બાબતે સમીક્ષા કરી હતી.મંત્રીશ્રીએ ભચાઉ ITI ની મુલાકાત લઈને ટ્રેડના ક્લાસરૂમ, છાત્રો દ્વારા બનાવેલા મોડલનું નિરીક્ષણ અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.આ પ્રસંગે મંત્રીશ્રીએ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજીને જરૂરી સૂચનો આપ્યા હતા. મંત્રીશ્રીએ શ્રમ વિભાગની કામગીરીની સમીક્ષા કરતા શ્રમિકોને સરકારી યોજનાઓના મળવાપાત્ર લાભ, તેમની સલામતી, ઉદ્યોગોમાં નિયમિત ઇન્સ્પેક્શન, અકસ્માતના બનાવોમાં વળતર, સમાધાન કાર્યવાહી, ગ્રેજ્યુએટી સહિતની બાબતોની માહિતી મેળવીને અધિકારીઓને શ્રમિકોના અકસ્માતના કિસ્સામાં જરૂરી વળતર સમયસર મળી રહે તથા તેમના હક્કોનું રક્ષણ થાય તે દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત, સરકારની કલ્યાણકારી યોજનાઓનો વધુમાં વધુ લાભાર્થીઓ સુધી લાભ પહોંચે તે દિશામાં કામગીરી કરવા પર ભાર મૂક્યો હતો.બેઠકમાં રોજગાર મંત્રીશ્રી કુંવરજીભાઇએ જિલ્લામાં રોજગારની સ્થિતિ, નોંધણી થયેલા યુવાનોને પ્લેસમેન્ટ, ઔદ્યોગિક ભરતી મેળા સહિતની માહિતી મેળવીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ગ્રામીણ વિકાસ મંત્રીશ્રીએ ભચાઉ પ્રાંત કચેરી ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીઓશ્રીઓ સાથે બેઠક યોજીને જિલ્લામાં ગ્રામ વિકાસના ચાલતા કામો જેવા કે, સ્વચ્છ ભારત મિશન (ગ્રા), પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રા), મનરેગા, મિશન મંગલમ હેઠળ થતી વિવિધ કામોની સમીક્ષા કરી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ સામૂહિક કમ્પોસ્ટ પીટ, સેગ્રીગેશન શેડ, સામૂહિક શૌચાલય તથા શોકપીટ સહિતની સુવિધાના નિભાવ તથા અમલીકરણ માટેના પડકારોને ઉકેલવા મુદ્દે ચર્ચા કરી હતી. ડોર ટુ ડોર કચરાનું કલેક્શન થાય તે સુનિશ્ચિત કરવા, પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લક્ષ્યાંક પૂર્ણ કરવા, પ્લોટ વિહોણા લાભાર્થીઓને પ્લોટ આપવા સક્રિય કામગીરી કરવા, બાંધકામની ગુણવત્તામાં બાંધછોડ ન કરવા, સ્વઃ સહાય જૂથોને સક્રિય કરવા તેમજ નવા જૂથો માટે જાગૃતિ કામગીરી કરવા સહિતની બાબતે ભાર મૂક્યો હતો.આ પ્રસંગે ભચાઉ પ્રાંત અધિકારીશ્રી જ્યોતિબેન ગોહિલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી.આર.પ્રજાપતિ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીશ્રીઓ, જિલ્લાની તમામ ITI ના આચાર્યશ્રીઓ, શ્રમ અને રોજગાર વિભાગના અધિકારીઓશ્રીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ હાજર રહ્યા હતા.












 
				





