
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી ,તા-૩૧ ઓક્ટોબર : સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે ભુજમાં આયોજિત રન ફોર યુનિટીને ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા એ લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આર.ડી.વરસાણી હાઈસ્કૂલથી જ્યુબિલિ સર્કલ, જયનગર થઈને આર.ડી.વરસાણી ખાતે રન ફોર યુનિટીનું સમાપન થયું હતું. આધુનિક ભારતના નિર્માણમાં સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને યાદ કરતા ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, અંગ્રેજોએ આપેલી આઝાદીમાં ભારત અનેક ટૂકડામાં વહેંચાયેલું હતું. આ સમયે સરદાર વલ્લભભાઈ પટેલે અનેક દેશી રજવાડાઓના વિલીનીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. રાજ્યમંત્રી એ આજના અખંડ ભારતનો શ્રૈય સરદાર વલ્લભભાઈ પટેલને આપીને તેમના જીવનમાંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો. આર.ડી.વરસાણી હાઈસ્કૂલ ખાતેથી રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ વિનોદભાઈ ચાવડા, ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને કચ્છ કલેક્ટર આનંદ પટેલે રન ફોર યુનિટીને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. મહાનુભાવોએ રન ફોર યુનિટીમાં સહભાગી થઈને નાગરિકોને પ્રોત્સાહિત કર્યા હતા. જય સરદારના નારાઓની ગૂંજ સાથે હજારોની સંખ્યામાં નાગરિકો રન ફોર યુનિટીમાં ઉત્સાહભેર સહભાગી બન્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનન ઠક્કરે કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, નિવાસી અધિક કલેક્ટર ડી.પી.ચૌહાણ, કચ્છ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. મોહન પટેલ, પ્રાંત અધિકારી ડૉ.અનીલ જાદવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સી.આર.પ્રજાપતિ, ભુજ શહેર મામલતદાર તેજસ પટેલ, ભુજ ગ્રામ્ય મામલતદાર એ.એન.શર્મા, જિલ્લા રમત વિકાસ અધિકારી જ્યોતિ ઠાકુર, જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ મનીષ બારોટ, જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર, લેઉવા પટેલના આગેવાન વેલજીભાઈ પીંડોરિયા અને ગોપાલભાઈ ગોરસીયા, જિલ્લા વહીવટીતંત્રના અધિકારી ઓ અને કર્મચારીઓ, પોલીસ જવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.












 
				


