BUSINESS

એક દાયકાની તેજી બાદ ભારતીય શેરબજારની ગતિ ધીમી…!!

છેલ્લા દસ વર્ષથી ઉભરતા બજારોમાં સૌથી વધુ વળતર આપનારા ભારતીય શેરબજારોની તેજી હવે ધીમી પડી રહી છે. જ્યારે ચાઈના અને તાઈવાન જેવા સાથી દેશો ફરી કમબેક કરી રહ્યા છે. માર્કેટ વિશ્લેષકોનું માનવું છે કે સ્થાનિક રોકાણકારોની મજબૂત હાજરી છતાં બજાર હાલમાં કોન્સોલિડેશનના તબક્કામાં પ્રવેશી રહ્યું છે. છેલ્લા ૧૨ મહિનામાં MSCI ચાઈના ઈન્ડેક્સ ૩૫% અને MSCI ઈમર્જિંગ માર્કેટ ઈન્ડેક્સ ૨૬% વધ્યા છે, જ્યારે MSCI ઈન્ડિયા ઈન્ડેક્સ ડોલર ધોરણે લગભગ સ્થિર રહ્યો છે. આ તુલનામાં ભારતનો દેખાવ સુસ્ત જણાઈ રહ્યો છે. ઓક્ટોબર ૨૦૨૦થી ઓક્ટોબર ૨૦૨૫ વચ્ચે ભારતીય ઈક્વિટીએ વાર્ષિક ધોરણે ૧૩.૭%નો વધારો નોંધાવ્યો હતો, જ્યારે સમકક્ષ MSCI ઈમર્જિંગ માર્કેટ ઈન્ડેક્સ માત્ર ૫%થી વધ્યો હતો.

આ પહેલાંના પાંચ વર્ષમાં, એટલે કે ૨૦૧૫થી ૨૦૨૦ દરમિયાન, ભારતની સામે ઈમર્જિંગ માર્કેટ્સે ૫.૪%ના વધારા સાથે ૩.૬%ની સરખામણીમાં આગળ વધ્યા હતા. લાંબા ગાળાની દૃષ્ટિએ, MSCI ઈન્ડિયા ઈન્ડેક્સમાં છેલ્લા દાયકામાં ૮.૬%ની વાર્ષિક વૃદ્ધિ નોંધાઈ છે, જ્યારે ઈમર્જિંગ માર્કેટ ઈન્ડેક્સમાં આ વૃદ્ધિ ૫.૯% રહી છે. વિશ્લેષકો માને છે કે જીયોપોલિટિકલ અનિશ્ચિતતા અને વૈશ્વિક જોખમ ટાળવાની પ્રવૃત્તિના કારણે નિકટના ગાળામાં અસ્થિરતા વધે તેવી શક્યતા છે. તેમ છતાં, ભારતના માળખાકીય વૃદ્ધિના ચાલકો અને વૈવિધ્યસભર કોર્પોરેટ લેન્ડસ્કેપ તેને ઈમર્જિંગ માર્કેટ પોર્ટફોલિયોમાં મહત્વપૂર્ણ સ્થાન આપે છે. બ્રોકિંગ હાઉસના અહેવાલ મુજબ, છેલ્લા દાયકામાં દેખાયેલી તેજીનું મુખ્ય કારણ મજબૂત આર્થિક ફંડામેન્ટલ્સ, સુધરતી કોર્પોરેટ કમાણી અને સ્થાનિક રોકાણકારોના વધતા હિસ્સા છે.

૨૦૧૫ થી ૨૦૨૫ દરમિયાન ભારતે સરેરાશ ૬%ની જીડીપી વૃદ્ધિ નોંધાવી છે. જે ઈમર્જિંગ માર્કેટની સરેરાશ ૪%થી વધુ અને ચાઈનાના ૪.૫%થી પણ આગળ છે. જોકે રેકોર્ડ સ્તરેથી થોડું નીચે આવવા છતાં, ભારતીય ઈક્વિટી હજુ પણ વેલ્યુએશન પ્રીમિયમ પર ટ્રેડ કરે છે. ઓક્ટોબર ૨૦૨૫ સુધી MSCI ઈન્ડિયા ઈન્ડેક્સ પાછલા અર્નિંગના ૨૫.૨ ગણા પર હતો, જ્યારે ઈમર્જિંગ માર્કેટની સરેરાશ માત્ર ૧૬.૨ ગણા હતી, એટલે કે લગભગ ૫૫% વધારે, જો કે લાંબા ગાળાના સરેરાશ પ્રીમિયમ ૭૮% કરતા ઓછા સ્તરે છે.

Back to top button
error: Content is protected !!