બિહારના બાહુબલી નેતા અનંત સિંહની ધરપકડ

બિહારમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચારની વચ્ચે રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. હાલમાં જ મોકામામાં દુલારચંદ યાદવની હત્યા બાદ સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને લઈને સવાલ ઊભા થયા હતા. હત્યાનો આરોપ બાહુબલી નેતા તથા જનતા દળ યુનાઈટેડના ઉમેદવાર અનંત સિંહ તથા તેમના સમર્થકો પર લગાવવામાં આવ્યો હતો. કારણ કે દુલારચંદ યાદવ અને અનંત સિંહ એકબીજાના કટ્ટર દુશ્મન માનવામાં આવતા હતા. એવામાં હવે બિહાર પોલીસે અનંત સિંહની ધરપકડ કરી છે.
પટના પોલીસ સ્થિત કારગિલ માર્કેટ પહોંચી અને અડધી રાત્રે અનંત સિંહની ધરપકડ કરવામાં આવી. ત્યાંથી તેમને પટના લઈ જવામાં આવ્યા. પટનાના SSP કાર્તિક શર્માએ કહ્યું કે દુલારચંદ હત્યાકાંડની પ્રાથમિક તપાસ બાદ અનંત સિંહની ધરપકડ કરવામાં આવી છે. તેમના બે સહયોગી મણિકાંત ઠાકુર અને રણજીત રામની પણ ધરપકડ કરાઈ છે. SSPએ વધુમાં જણાવ્યું છે કે તપાસમાં સામે આવ્યું છે કે ઘટના સમયે અનંત સિંહ તથા તેમના સહયોગીઓ ઘટનાસ્થળે હાજર થયા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર દુલારચંદ યાદવના શરીર પર ગોળી અને ઈજાના નિશાન મળ્યા છે. આ મામલે અનંત સિંહને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે.
નોંધનીય છે કે 30 ઓક્ટોબરે મોકામામાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં દુલારચંદનું મોત થયું હતું. બંને પક્ષોએ સામસામે FIR નોંધાવી હતી. FSLની ટીમે ઘટનાસ્થળથી પથ્થરોના સેમ્પલ લઈ લીધા છે. સમગ્ર મામલે ચૂંટણી પંચે DGP પાસે રિપોર્ટ માંગ્યો હતો.
દુલારચંદ પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટીના સમર્થક હતા. તેમની હત્યા બાદથી જ સમગ્ર વિસ્તારમાં તણાવ વધી ગયો છે. RJD ઉમેદવાર વીણા દેવીના કાફલા પર પણ પથ્થરમારાની ઘટના થઈ ચૂકી છે.



