વરસાદ આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્રને ઘમરોળશે, હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં બનેલા ડિપ્રેશનને કારણે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ રાહતની વાત એ છે કે આ ડિપ્રેશન હવે નબળું પડી ગયું છે, જેના કારણે વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, 5 નવેમ્બર બાદ રાજ્યમાં વરસાદની શક્યતા લગભગ નહિવત થઈ જશે. જોકે, સાવચેતીના ભાગરૂપે બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે.
- ઓરેન્જ એલર્ટ: દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં મધ્યમ વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યાં ભારે વરસાદ જોવા મળશે.
- યલો એલર્ટ: કચ્છ, રાજકોટ, જૂનાગઢ અને જામનગરના આસપાસના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. અહીં છૂટોછવાયો સામાન્યથી ભારે વરસાદ જોવા મળશે.
જૂનાગઢમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ગિરનાર પર્વત અને ભવનાથ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. પરિક્રમા રદ કરવામાં આવતા શ્રદ્ધાળુઓનો ધસારો ગિરનાર પર્વત તરફ વધ્યો છે. જોકે, વરસાદ ચાલુ હોવા છતાં લોકો ઉત્સાહભેર ગિરનાર પર્વત ચઢી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું.
આજે વહેલી સવારે અમદાવાદના અનેક વિસ્તારોમાં હીલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો, જ્યાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. વિઝિબિલિટી (દૃશ્યતા) ઘટી જવાના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદના એસ. જી હાઇવે પર વાહનચાલકોને ફરજિયાતપણે વાહનની હેડલાઇટ ચાલુ કરવી પડી હતી. બીજી તરફ, બોટાદમાં પણ રાતથી જ ગાઢ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું, જેના કારણે 10 ફૂટના અંતરે જોવું પણ લોકો માટે મુશ્કેલ બન્યું હતું.



