વાજબી ભાવના દુકાનદારોને તાત્કાલિક વિતરણ કાર્ય શરૂ કરવા અગ્ર સચિવ મોના ખંધારનો અનુરોધ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ : અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની અગ્ર સચિવ મોના ખંધારની અધ્યક્ષતામાં અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે શહેર તથા ગ્રામ્ય વિસ્તારના વાજબી ભાવના દુકાનદારો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર સુજીત કુમાર સહિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન અગ્ર સચિવ મોના ખંધારે દુકાનદારોને તાત્કાલિક ધોરણે વિતરણ પ્રક્રિયા શરૂ કરવા અને જરૂરિયાતમંદ લોકોને અનાજ તેમજ ખાદ્યસામગ્રી સમયસર પહોંચાડવા માટે સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર વાજબી ભાવના દુકાનદારોના પ્રશ્નો પ્રત્યે સંવેદનશીલ છે અને મુખ્યમંત્રી તથા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીના માર્ગદર્શન હેઠળ અનેક હકારાત્મક નિર્ણયો લેવામાં આવ્યા છે.
મોના ખંધારે વધુમાં જણાવ્યું કે વાજબી ભાવના દુકાનદારોના એસોસિએશન દ્વારા રજૂ કરવામાં આવેલા 20 મુદ્દાઓમાંથી 11 મુદ્દાઓ રાજ્ય સરકારે તાત્કાલિક સ્વીકારી લીધા છે, જ્યારે બાકીના મુદ્દાઓ નીતિગત સ્વરૂપના હોવાથી તેની પ્રક્રિયા ચાલુ છે. “સરકાર દરેક મુદ્દાને ગંભીરતાપૂર્વક લઈ રહી છે અને ટૂંક સમયમાં તેના હકારાત્મક પરિણામો મળશે,” એમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે ચલણ ભરીને કામગીરી શરૂ કરનાર દુકાનદારોનો આભાર માનતાં જણાવ્યું કે, “જરૂરિયાતમંદ લોકોને અનાજ પહોંચાડવાની કામગીરી એ માત્ર ફરજ નથી પરંતુ માનવતા અને સામાજિક જવાબદારીનું પ્રતિબિંબ છે. હાલની વાવાઝોડાની પરિસ્થિતિમાં કોઈપણ નાગરિકને ખોરાક માટે તકલીફ ન પડે એ માટે સૌ દુકાનદારો સહયોગ આપશે, એ વિશ્વાસ છે.”
અગ્ર સચિવે વધુમાં ઉમેર્યું કે જાહેર વિતરણ પ્રણાલીમાં ગુજરાત હંમેશાં અગ્રેસર રહ્યું છે. ‘વન નેશન, વન રેશન કાર્ડ’ યોજના સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવી છે અને રાજ્યમાં ટેક્નોલોજી આધારિત પારદર્શક વિતરણ પ્રણાલી કાર્યરત છે, જે અન્ય રાજ્યો માટે પણ આદર્શરૂપ છે.
જિલ્લા કલેક્ટર સુજીત કુમારે પણ બેઠક દરમિયાન દુકાનદારોને નિયમિત વિતરણ કામગીરી શરૂ કરવા અનુરોધ કર્યો હતો અને જણાવ્યું કે, જિલ્લા વહીવટીતંત્ર દુકાનદારોને દરેક સ્તરે સહયોગ આપશે જેથી અનાજ વિતરણમાં કોઈ વિલંબ ન થાય.
આ બેઠકમાં અન્ન અને નાગરિક પુરવઠા નિયામક મયૂર મહેતા, સંયુક્ત નિયામક ચેતન ગાંધી, નિવાસી અધિક કલેક્ટર ભાવિન સાગર, ફૂડ કંટ્રોલર વિમલ પટેલ, જિલ્લા પુરવઠા અધિકારી દિન્તા કથીરિયા સહિતના અધિકારીઓ તથા વાજબી ભાવના દુકાનદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્ય સરકારે દુકાનદારોના હિતોને ધ્યાનમાં રાખી વ્યવસ્થિત અને પારદર્શક જાહેર વિતરણ પ્રણાલી જાળવી રાખવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.







