RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: પોલની પાઠશાળા – મતદાન જાગૃતિ માટે શાળા કોલેજમાં લેવાયા ક્લાસ

તા.૨૩/૪/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

વિદ્યાર્થીઓએ નાટક અને ચિત્ર સ્પર્ધાના માધ્યમથી મતદાન અંગેનું શિક્ષણ મેળવી શપથ ગ્રહણ કર્યા

Rajkot: હાલ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના માહોલને ધ્યાનમાં લેતા રાજકોટ શહેર, જીલ્લાની વિવિધ શાળાઓના ક્લાસમાં વિદ્યાર્થીઓએ પાઠ્ય પુસ્તક નહીં પરંતુ અલગ જ વિષય પર પ્રેક્ટિકલ જ્ઞાન મેળવ્યું હતું.

બૂથમાં મતદાર યાદીમાં નામ ચકાસણી, લાઈનમાં ઉભા રહી આંગળીના ટેરવે શાહી લગાડી મતદાન કુટિરમાં મત આપવાની પ્રક્રિયા વગેરેનો જસદણની આસ્થા વિદ્યાલયના વિદ્યાર્થીઓએ નાટકના માધ્યમથી સ્વાનુભવ લઇ મતદાનના પાઠ શીખ્યા હતાં.

રાજકોટની શ્રીમતી કે. કે. ધોળકિયા સ્કૂલમાં ક્લાસ લેવાયા, પરંતુ તેમાં સ્કૂલ બૂક્સ નહીં, મતદાન શું છે અને મતદાન પ્રક્રિયામાં ઈ.વી.એમ., વી.વી.પેટ મશીનનો કેવી રીતે વોટિંગ પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવે છે સહીતની વિવિધ બાબતોનો અભ્યાસ વિદ્યાર્થીઓને બોર્ડ પર પ્રેઝન્ટેશનના માધ્યમથી શીખવવામાં આવ્યો હતો.

જયારે શ્રી લાલબહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલય ખાતે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને ધ્યાને લઇ રંગોળી, ચિત્ર સ્પર્ધા, મતદાનના શપથ સહિતના મતદાન જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતાં.

આગામી તા. ૨૬ ના રોજ રાજ્યમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, પંચાયત માટે મતદાન થવા જઈ રહ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા કામગીરીની તૈયારી અંતિમ ચરણમાં છે ત્યારે, શિક્ષણના માધ્યમથી જનજાગૃતિ કાર્યક્રમોની થતી વ્યાપક અસરને ધ્યાને લેતા શાળા કોલેજમાં મહત્તમ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!