Rajkot: જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડૉ. ઓમ પ્રકાશના હસ્તે બૂથ લોકેટર વેબસાઈટ તથા ક્યુ. આર. કોડ લોન્ચ કરાયા

તા.૨૩/૪/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
નાગરિકો ક્યુઆર કોડ તથા વેબસાઈટની મદદથી સરળતાથી પોતાનું મતદાન બૂથ શોધી શકશે
ડિજિટલ સુવિધાનો ઉપયોગ કરીને નાગરિકોને મતાધિકારનો ઉપયોગ કરવા જિલ્લા ચૂંટણી અધિકારીની અપીલ
Rajkot: રાજકોટ મહાનગર પાલિકાની ૨૬મીએ થનારી ચૂંટણી વખતે નાગરિકોને પોતાનું મતદાન મથક શોધવામાં સરળતા રહે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડૉ. ઓમ પ્રકાશની સૂચના મુજબ વિશેષ બૂથ લોકેટર વેબસાઈટ તૈયાર કરવામાં આવી છે. આ વેબસાઈટ તેમજ વિશેષ બે ક્યુ.આર. કોડનું આજે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડૉ. ઓમ પ્રકાશ, અધિક ચૂંટણી અધિકારી શ્રી એન.કે. મુછાર તથા બી.એલ.ઓ. શ્રી જયદીપભાઈ ત્રિવેદીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ પત્રકારોને જણાવ્યું હતું કે, https://rmc-election.jrtrivedi.in/ વેબસાઈટ બૂથ લેવલ ઓફિસર શ્રી જયદીપભાઈ ત્રિવેદી દ્વારા જ તૈયાર કરવામાં આવી છે. શહેરી વિસ્તારોમાં મતદારોને પોતાનું મતદાન મથક શોધવામાં પડતી મુશ્કેલીને ધ્યાને રાખીને અત્યંત ઝડપી અને કાર્યક્ષમ ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. આ સુવિધા દ્વારા મતદારો પોતાના મોબાઈલનું ગૂગલ લોકેશન ઓન રાખીને સીધા જ પોતાના બૂથ સુધી પહોંચી શકશે.

ચૂંટણી તંત્ર દ્વારા બે અલગ-અલગ ક્યુઆર કોડ જારી કરવામાં આવ્યા છે: (૧) સ્ટેટ ઇલેક્શન કમિશનનો ક્યુઆર કોડ: આ કોડ સ્કેન કરીને મતદારો પોતાનો એપિક (EPIC) નંબર અથવા નામની એન્ટ્રી કરીને પોતાનો વોર્ડ નંબર, પોલિંગ બૂથ નંબર અને સીરીયલ નંબર જાણી શકશે. આ વેબસાઈટ પર ફેમિલી ડિટેલ્સ પણ ઉપલબ્ધ છે, જેથી એક જ પરિવારના અન્ય સભ્યોની વિગત પણ સરળતાથી મળી રહેશે. (૨) ડિસ્ટ્રિક્ટ બીએલઓ દ્વારા તૈયાર ક્યુઆર કોડ: આ કોડ મતદારોને તેમના મતદાન મથકના ચોક્કસ ભૌગોલિક લોકેશન સુધી પહોંચવામાં મદદરૂપ થશે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ આ ડિજિટલ સુવિધાનો ઉપયોગ કરી કોઈ પણ અગવડ વગર પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬ એપ્રિલને રવિવાર મતદાન થનાર છે, ત્યારે તમામ નાગરિકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ અપીલ કરી હતી.




