
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતના અધ્યક્ષ સ્થાને સાપુતારા ખાતે ગુજરાત માસ્ટર ખેલકુદ મંડળ, દ્વારા આયોજિત ૧૦મી રાજ્ય સ્તરીય એથલેટીક્સ સ્પર્ધાનો કાર્યક્રમ યોજાયો :*
રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખનસામગ્રી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ અને નાગરિક ઉડ્ડયનના રાજ્ય મંત્રીશ્રી વ ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ડો. જયરામભાઈ ગાવિતના અધ્યક્ષ સ્થાને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ગુજરાત માસ્ટર ખેલકુદ મંડળ, દ્વારા આયોજિત ૧૦મી રાજ્ય સ્તરીય એથલેટીક્સ સ્પર્ધા – ૨૦૨૫ નો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ડાંગના પ્રભારી મંત્રીશ્રી ડો. જયરામભાઈ ગામીતે જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વર્ષ-૨૦૧૦માં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના યુવાનોનો રમત ગમત ક્ષેત્રે ખેલાડીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે, અને તેઓ વિવિધ સિદ્ધિઓ મેળવે તે નિર્ણય સાથે ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી. આજે ખેલ મહાકુંભના માધ્યમથી રાજ્યના ૧૧ ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોજાતી સ્પર્ધાઓમાં દેશનું પ્રતિનિધિત્વ કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
કોઈ પણ દેશ ત્યારે જ સશક્ત બને છે, જ્યારે તે દેશના યુવાઓ સશક્ત બને. ખેલ મહાકુંભ જેવા માધ્યમથી ગુજરાતના યુવાનો આજે રમત ગમત ક્ષેત્રે પોતાની સુવર્ણ કારકિર્દી ઘડવાની સાથે દેશ-રાજ્યનું નામ રોશન કરી રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ “રમશે ગુજરાત, જીતશે ગુજરાત” અને ‘ખેલે તે ખીલે’ જેવા મંત્ર સાથે શરુ કરેલા ખેલ મહાકુંભે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના પ્રતિભાવાન બાળકો-યુવાઓના સપનાને નવી પાંખ આપી છે. રાજ્યના નાગરિકોની રમત-ગમત પ્રત્યે જાગૃતિ કેળવાય, શારિરીક તદુંરસ્તી જળવાય અને રમત-ગમતની સંસ્કૃતિનો વિકાસ થાય તે હેતુથી ખેલ મહાકુંભનું ગ્રામ્ય કક્ષાએથી રાજ્યકક્ષા સુધીની વિવિધ સ્પર્ધાઓનું આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે.
મંત્રીશ્રીએ સૌ રમતવીરોને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે, આપણા શરીર સ્વાસ્થ્યની જાળવણી માટે જીવનમાં રમતોનું ખુબ જ મહત્વ રહેલું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર રમતોને પ્રોત્સાહન આપવા સતત કાર્યરત છે.
ગુજરાત વિધાનસભા નાયબ દંડક વિજયભાઈ પટેલે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ ખેલરત્નો સહિત માસ્ટર ખેલકુદ મંડળ એસોસિએશનના પ્રમુખ, સભ્યોને શુભેચ્છાઓ પાઠવી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
કાર્યક્રમમાં એસોસિઅન દ્વારા રાજ્યમાં યોજાયેલ વિવિધ રમતોમાં વિજેતા થયેલ તમામ ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
આ પ્રસંગે વ્યારાના ધારાસભ્ય મોહનભાઇ કોંકણી, પૂજ્ય શ્રી પી. પી. સ્વામી, ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચામાં મંત્રી શ્રી સુભાષભાઈ ગાઈન, ડાંગ જિલ્લા ભાજપા સંગઠન પ્રભારી શ્રી રાજેશભાઈ દેસાઈ, પાર્ટી પ્રમુખ કિશોરભાઈ ગાવિત, મહામંત્રી હરિરામ સાંવત, આંતરરાષ્ટ્રીય ખો – ખો સ્પર્ધાના ખેલાડી કુ. ઓપીના ભીલાર, સહિત પ્રાંત અધિકારી સુશ્રી કાજલ આંબલીયા, જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી અલ્કેશભાઈ પટેલ, નોડિફાઈડ એરિયા કચેરીના નાયબ મામલતદાર શ્રી પી. વી. પરમાર સહિતના માસ્ટર ખેલકુદ મંડળના પ્રમુખ, સભ્યોશ્રીઓ રાજ્યના વિવિધ જિલ્લાના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.





