
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં SIR અંતર્ગત મતદારયાદીની વિશેષ સઘન સુધારણા કાર્યક્રમ
૩૦-ભિલોડા, ૩૧-મોડાસા અને ૩૨-બાયડ –માં કુલ ૮,૫૮,૭૫૩ મતદારો હાલમાં નોંધાયેલ છે
*અરવલ્લી જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા ૧૦૪૮ બૂથ લેવલ ઓફિસર (BLO) તથા ૧૨૩ BLO સુપરવાઇઝરની નિમણૂક કરવામાં આવી
ભારત ચૂંટણી પંચના ૨૭ ઓક્ટોબર ૨૦૨૫ના જાહેરનામા અન્વયે ગુજરાત રાજ્યમાં Special Intensive Revision (SIR) કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં મતદારયાદીને વધુ સચોટ, અદ્યતન અને પારદર્શી બનાવવા માટે વ્યાપક તૈયારીઓ હાથ ધરાઈ છે. જિલ્લામાં સમાવિષ્ટ ત્રણ વિધાનસભા મતવિસ્તારો – ૩૦-ભિલોડા, ૩૧-મોડાસા અને ૩૨-બાયડ –માં કુલ ૮,૫૮,૭૫૩ મતદારો હાલમાં નોંધાયેલ છે.આ વિશેષ સઘન સુધારણા કાર્યક્રમની સફળ અમલવારી માટે જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા ૧૦૪૮ બૂથ લેવલ ઓફિસર (BLO) તથા ૧૨૩ BLO સુપરવાઇઝરની નિમણૂક કરવામાં આવી છે. આ તમામ અધિકારીઓને ચૂંટણી પ્રક્રિયા, મતદાર વેરિફિકેશન, ફોર્મ હેન્ડલિંગ તેમજ આધુનિક તકનીકી સાધનોના ઉપયોગ અંગે વિગતવાર તાલીમ આપવામાં આવી છે.૩૦ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ મોડાસા ખાતેના આંબેડકર હોલમાં જિલ્લાના તમામ મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ (ARO) તથા BLO સુપરવાઇઝરોએ તાલીમમાં ભાગ લીધો હતો. આ તાલીમમાં SIR કાર્યક્રમના ઉદ્દેશ્યો, કાર્યપદ્ધતિ, ટાઇમલાઇન અને જવાબદારીઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ત્યારબાદ ૩ નવેમ્બર ૨૦૨૫ના રોજ તમામ છ તાલુકાઓમાં તાલુકા કક્ષાએ BLO તથા માન્ય રાજકીય પક્ષોના નિમાયેલ BLO એજન્ટ્સ (BLA) માટે તાલીમ કાર્યક્રમો યોજાયા. આ તાલીમોમાં મતદારોના ઘરે ઘરે જઈને વેરિફિકેશન, નવા મતદારોની નોંધણી, મૃત અથવા સ્થળાંતરિત મતદારોના નામ કાઢવા તેમજ ફોર્મ-૬, ૭, ૮ અને ૮Aના યોગ્ય ઉપયોગ અંગે વ્યવહારુ તાલીમ આપવામાં આવી.જિલ્લા ચૂંટણી કચેરી દ્વારા તમામ નોંધાયેલ મતદારોના Enumeration Form (EF) ઓનલાઇન ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટિંગ માટે સંબંધિત એજન્સીને મોકલી આપવામાં આવી છે. આ ફોર્મ BLO દ્વારા મતદારો પાસે પહોંચાડવામાં આવશે અને તેમની માહિતીની ચકાસણી કરવામાં આવશે.આગામી દિવસોમાં ભારત ચૂંટણી પંચના કાર્યક્રમ અને સૂચનાઓ મુજબ BLO દ્વારા ઘરે-ઘરે વેરિફિકેશન કાર્યવાહી હાથ ધરાશે. આ પ્રક્રિયામાં મતદારોની ઉંમર, સરનામું, ફોટો અને અન્ય વિગતોની ચોકસાઈ તપાસાશે. નવા મતદારોની નોંધણી માટે ખાસ ઝુંબેશ પણ ચલાવવામાં આવશે.જિલ્લા વહીવટીતંત્ર તમામ મતદારોને અપીલ કરે છે કે BLOની મુલાકાત વખતે તેઓ પોતાના આધાર કાર્ડ, ફોટો અને અન્ય દસ્તાવેજો તૈયાર રાખે અને સહકાર આપે, જેથી મતદારયાદી વધુ સચોટ બને.





